Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતના સરથાણાના ભુઇમાંના ધતિંગ બંધ કરાવતી વિજ્ઞાન જાથા : ૧૧૮૧ મો પર્દાફાશ

ધુણવાનું અને જોવાનું કામ બંધ કરવાનું કબુલાતનામુ આપતા ભુઇમા લાભુબેન : ભુઇમાના પુત્રએ પહેલા તો રોફ છાંટયો, પણ પોલીસે લાલ આંખ કરતા ઢીલો ઢફ થઇ ગયો

રાજકોટ તા. ૧૨ : અંધશ્રધ્ધાની પ્રવૃત્તિ અટકાવવાનું કામ કરતી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સુરતના સરથાણામાં મેલડી માતાજીનું સ્થાનક બનાવી લોકોના દુઃખદર્દ મટાડવાનું અને ધૂણીને જોવાનું કામ કરતા ભુઇમાની ધતીંગ લીલા સંકેલાવી દીધી છે. આ સાથે ૧૧૮૧ મો સફળ પર્દાફાશ કર્યો છે.

જાથાની યાદીમાં જણાવ્યા મુજબ સુરતના સરથાણામાં અવધ સુભાષ પાર્ક, મકાન નં. ૫૦ માં રહેતા લાભુબેન વશરામભાઇ અણધણ છેલ્લા બારેક વર્ષથી જોવાનું કામ કરતા હતા. મેલડી માતાજીનું વૈભવી સ્થાનક બનાવી લોકોના દુઃખદર્દ મટાડવા, સંતાન પ્રાપ્તી માટે સોના - ચાંદીના છત્ર ચડાવવાની માનતા કરાવતા હતા. સુખડીની માનતા થતી. આરતી વખતે તેઓ ધુણીને લોકોના દુઃખદર્દ પ્રશ્નો નિવારણ કરતા હતા.

બાતમીના આધારે જાથાએ સઘળી વિગતો એકત્ર કરી જોઇન્ટ પોલીસ કમિશ્નર પ્રવિણસિંહ માલને અરજી આપી લાભુબેનના કારસ્તાનથી વાકેફ કર્યા અને પર્દાફાશની જાણ કરી હતી. તેઓએ તુરંત ના.પો.ઇન્સ. ભરતસિંહ સોલંકીને આ બાબતની સુચનાઓ આપી જાથાને મદદ કરવા જણાવ્યુ હતુ.

નિયત સમયે જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ જીજ્ઞેશ અમીપરા, અંકલેશ ગોહિલ, સ્થાનિક કચ્છી મગનભાઇ રવાણી વગેરે તેમજ પી.એસ.આઇ. ચેતનાબેન કે. કાતરીયા, પી.એસ.આઇ. પ્રકાશ પી. હઠીલા, મહિલા કોન્સટેબલ વનિતાબેન હડીયા, સરથાણા ડી.સ્ટાફ વગેરેે લાભુબેનના ઘરે પહોંચ્યા હતા.

અગાઉથી મેળવેલ વિગતો મુજબ લાભુબેનના પતિ વશરામભાઇને પહેલા કારખાનું અને દુકાન હતી. બધુ ચોપટ થઇ ગયા પછી ઘરમાં ધાર્મિક સ્થાનક બનાવી આ રીતે લોકોને ભોળવવાનું લાભુબેને શરૂ કર્યુ હતુ. જેમાં તેમનો દિકરો રાજેશ પણ સામેલ થયો હતો. પુત્રના મિત્રો માથાભારે હોય તેમની મદદ લેવાતી. જેથી કોઇ તેમની સામે અવાજ ઉઠાવી શકતુ નહોતુ.

જાથાની ટીમ પોલીસ સાથે પહોંચી ત્યારે શરૂઆતમાં તો તેમના પુત્રએ રોફ જમાવ્યો હતો. પરંતુ પોલીસે લાલ આંખ કરતા ઢીલો પડી ગયો. લાભુબેને પણ આ રીતે જોવાનું હવેથી કાયમ માટે બંધ કરવાની  લેખિત કબુલાત આપતા મામલો અહીં પૂર્ણ કરાયો હતો.

સુરત સ્થિત ભુઇમાનો ભોગ બનેલા લોકોએ પોલીસ સ્ટેશને જાણ કરવા આગળ આવવા અથવા જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર જાણ કરવા  એક યાદીમાં જણાવાયુ છે.

(11:36 am IST)