Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સુરતના લીંબાયત વિસ્તારમાં એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો યુવક ઘરમાંથી 5 હજાર લઇ ગૂમ થઇ જતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેર ના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવીનો વલસાડ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતો 17 વર્ષનો સૌથી મોટો પુત્ર ઘરેથી રૂ.5 હજાર લઈ 'સોરી માય ફેમિલી' લખેલી ચિઠ્ઠી છોડી ક્યાંક ચાલી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત મદનપુરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રમજીવીના ત્રણ સંતાન પૈકી સૌથી મોટો પુત્ર સુરેશ ( ઉ.વ.17, નામ બદલ્યું છે ) વલસાડ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. ગત નવમીની રાત્રે તે બાજુના મકાનમાં દાદા સાથે સુઈ ગયો હતો. પણ બીજા દિવસે વહેલી સવારે છ વાગ્યે તેનો નાનો ભાઈ સ્કૂલે જવા માટે કપડાં લેવા ગયો ત્યારે તે નજરે નહીં ચઢતા તેણે માતાપિતાને જાણ કરી હતી. તેમણે ત્યાં જઈ ચેક કરતા સુરેશનો મોબાઈલ ફોન ત્યાં જ હતો.આથી તે આમતેમ ગયો હશે તેમ માની તેની વધુ શોધખોળ કરી નહોતી.જોકે, ત્યાં કબાટમાં મુકેલા રૂ.5 હજાર પણ નહીં મળતા તેમણે સુરેશની શોધખોળ શરૂ કરી હતી.

તેના મિત્રોને ફોન કરતા કોઈને પણ તેની જાણ ન હોય મોડીરાત સુધી તેની ભાળ નહીં મળતા તે પોતાની રીતે ઘરે આવી જશે તેવું વિચારી ઘરે આવી માતાપિતા અને અન્યો સુઈ ગયા હતા.પરંતુ ગત સવારે સુરેશની માતાએ તેના અભ્યાસના ચોપડા ચેક કર્યા તો એક ચિઠ્ઠી મળી હતી અને તેમાં અંગ્રેજીમાં સોરી માય ફેમિલી લખ્યું હોય ફરી તેની શોધખોળ શરૂ કરી હતી. તેમાંય તેની કોઈ ભાળ નહીં મળતા છેવટે આ અંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)