Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગાંધીનગરમાં બસમાં જઈ રહેલ વૃધ્ધાના થેલામાંથી 8 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તસ્કરો છૂમંતર......

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં આવેલા એસટી ડેપોમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે હિંમતનગર જવા માટે વિજાપુરની બસમાં બેસવા જતા વૃદ્ધાના થેલામાંથી ૮.૧૦ લાખ રૃપિયાના સોનાના દાગીના ચોરીને ગઠિયાઓ પલાયન થઈ ગયા હતા. જેથી આ મામલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓની નવાઈ રહી નથી પરંતુ ગાંધીનગર એસટી ડેપોમાં જાણે કે ચોર અને ગઠિયા માટે તાલીમ શાળા શરૃ કરવામાં આવી હોય તેમ દરરોજ અહીં મુસાફરોના કીમતી માલ સામાનની ચોરીની ઘટનાઓ બનતી રહે છે. મુસાફરોના મોબાઇલ તેમજ પર્સમાંથી રૃપિયા અને દાગીનાની ચોરીના બનાવોથી એસટી તંત્રનો સ્ટાફ પણ તોબા પોકારી ઉઠયો છે ત્યારે ગઈકાલે વધુ એક વૃદ્ધાના થેલામાંથી ૮.૧૦ લાખ રૃપિયાના દાગીનાની ચોરીની ઘટના બનવા પામી છે. શહેરના સેક્ટર ૨૪માં આવેલા પાઠયપુસ્તક મંડળ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા મહેન્દ્રભાઈ નરસિંહભાઈ સુથાર અને તેમની પત્ની મધુબેન રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હિંમતનગર જવા માટે નીકળ્યા હતા. આ સમયે મધુબેનના થેલામાં ૮.૧૦ લાખ રૃપિયાના દાગીના હતા. તહેવારના નિમિત્તે ડેપોમાં ભીડ ખૂબ હોવાથી તેમણે વિજાપુર થઈ હિંમતનગર જવાનું નક્કી કર્યું હતું અને પ્લેટફોર્મ નંબર ૧૦થી વિજાપુરની બસમાં બેઠા હતા તે સમયે મધુબહેને તેમનું પર્સ તપાસતા તેની ચેઈન ખુલ્લી હતી જેથી અંદર જોતા ૮.૧૦ લાખ રૃપિયાના દાગીના જણાયા ન હતા. જેથી આ મામલે તુરંત જ બસના ડ્રાઇવર અને કંડકટરને જાણ કરવામાં આવી હતી. બસમાં તપાસ પણ કરાવી હતી પરંતુ ગઠિયાનો કોઈ પતો લાગ્યો ન હતો. આ મામલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

(5:51 pm IST)