Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હિટ એન્ડ રન:ગાંધીનગરમાં ચાલતા જતા યુવાનને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સેક્ટર ૧૩માં ગઈકાલે રાત્રે ચાલતા જઈ રહેલા યુવાનને અડફેટે લઈ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગે સેક્ટર ૭ પોલીસે ગુનો દાખલ કરી કારચાલકની શોધખોર શરૃ કરી છે.

ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે આંતરિક માર્ગો પણ સલામત રહ્યા નથી. ગાંધીનગર શહેરના સેક્ટર-૧૩ માં આવેલા શોપિંગ સેન્ટર પાસે ગઈકાલે રાત્રે કારની અડફેટે યુવાનના મોતની ઘટના બનવા પામી છે. મળતી વિગતો પ્રમાણે સેક્ટર ૧૩માં રહેતો મૂળ બનાસકાંઠાના રાધનપુરનો યુવાન ભરતભાઈ પ્રકાશભાઈ વઢીયારી ગઈકાલે રાત્રિના સમયે શોપિંગ સેન્ટર પાસેથી ચાલતો જઈ રહ્યો હતો તે દરમિયાન ત્યાંથી પૂર ઝડપે પસાર થતી કારે ભરતને અડફેટે લીધો હતો. જેના કારણે તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતસર્જીને  કારનો ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભરતને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ ઘટના અંગે તેના ભાઈ વિશાલભાઈ વઢીયારીની ફરિયાદના આધારે સેક્ટર સાત પોલીસે કારનાચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરી છે. નોંધવું રહેશે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અકસ્માત સર્જીને ફરાર થઈ જતા આવા કારના ચાલકો પોલીસ પકડમાં આવતા નથી.

(5:48 pm IST)