Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આણંદના સોજીત્રા પાસે 6 લોકોનો ભોગ લેનાર કાર ચાલક કોંગ્રેસના ધારાસભ્‍ય પુનમ પરમારના જમાઇ કેતન પઢીયાર હોવાનું ખુલ્‍યુઃ નશામાં કાર ચલાવી

અકસ્‍માતનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરતા એમએલએ લખેલી નેમ પ્‍લેટ મળી આવતા કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ

આણંદઃ રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા પાસે ડાલી ચોકડી નજીક ધારાસભ્‍ય પુનમ પરમારના જમાઇ અને વકીલ કેતન પઢીયારે ચિક્કાર દારૂ પીને કાર ચલાવી છ લોકોને કચડી નાખ્‍યા હતા. જેનો વીડિયો વાયરલ થતા પોલીસે ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. કાર ચાલક દારૂના નશામાં હોવાનું ખુલ્‍યુ છે.

આણંદના સોજિત્રા પાસે ટ્રિપલ અકસ્માતમાં 6 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ છે. કાર, બાઈક અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સોજીત્રામાં છ લોકોનો જે કારે ભોગ લીધો એ કાર ધારાસભ્યનો જમાઈ ચલાવતો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કેતન પઢિયારે દારૂના ચિક્કાર નશામાં પણ હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે, 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી'.

રક્ષાબંધનના દિવસે ગુરુવારે રાત્રે સોજિત્રા પાસે ડાલી ચોકડી પર રિક્ષા અને બાઈકને પુરપાટ આવી રહેલી કારે ટક્કર મારી હતી. જેમાં સોજીત્રાના મિસ્ત્રી પરિવારના માતા અને બે પુત્રી સહિત 3 લોકોના મોત થયા છે. આખા પરિવારમાં ફક્ત પિતા જીવીત છે. ચાર લોકોના પરિવારમાંથી 3 લોકોના મોત થતા સમગ્ર ગામ શોકમગ્ન બન્યું છે.

મૃતકોના નામ

    યાસીનભાઈ મોહમદભાઈ વ્હોરા - સોજીત્રાના રહેવાસી

    જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી

    વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી

    જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી

    યોગેશભાઈ રાજુભાઈ ઓડ - બોરીયાવી

    સંદીપ ઠાકોરભાઈ ઓડ - બોરીયાવી

મૃતકોના સંબંધીઓએ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કારની તપાસ કરતા કાર પર MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. કારચાલકની પૂછપરછ કરતાં તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇ કેતન પઢિયાર અને વ્યવસાયે વકીલ હોવાનું જણાવ્યું હતું. અકસ્માત બાદ પૂનમ પરમારના જમાઈ કેતન પઢિયારની અટકાયત કરવામાં આવી હતી અને તે નશામાં છે કે નહીં તે માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે અકસ્માત સર્જ્યો ત્યારે કેતન પઢિયાર નશાની હાલતમાં હતો કે નહીં. જેથી રિપોર્ટ આવ્યા બાદ જ ધરપકડની કાર્યવાહી થઈ શકશે.

કાર રોડ પરથી ઉતરીને ખેતર પાસેના ઝાડ સાથે અથડાઈ હતી. આવામાં કેતન પઢિયાર કારમાંથી બહાર નીકળ્યો હતો. તે દારૂના નશામાં એટલો ચૂર હતો કે, લથડિયા ખાઈ રહ્યો હતો. પોતાને સંભાળી પણ શક્તો ન હતો, છતાં મૃતકોની મદદ કરી રહ્યો હતો. આ વીડિયો હાલ વાયરલ થયો છે.

(5:09 pm IST)