Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સુરતના આઝાદ બ્રિજ પરથી સિંગણપોરના યુવકે બે દીકરીની નજર સામે તાપીમાં ઝંપલાવી મોત મીઠુ કર્યુ

રડતી દીકરીઓને જોઇ એકઠા થયેલા લોકોએ ફાયરબ્રિગેડને જાણ કર્યુ

સુરતઃ સુરતના આઝાદ બ્રિજ પરથી 13-14 વર્ષની બે દીકરીઓની નજર સામે જ સિંગણપોરના યુવકે તાપીના પડતુ મુકી જીવન ટુંકાવ્‍યુ હતુ. એકઠા થયેલા લોકોએ દીકરીઓને રડતી જોઇ કારણ પુછ્‍યુ, બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે અશ્વિનભાઇએ કયા કારણોસર તાપીમાં પડતુ મુક્‍યુ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં એક પિતાએ બે દીકરીઓની નજર સામે જ મોતની છલાંગ લગાવી હીત. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી સિંગણપોરના યુવકે 2 દીકરીની નજર સામે તાપીમાં ઝંપલાવ્યું હતું. બંને માસુમ દીકરીઓને રડતી જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તો બીજી તરફ, નદીમાં પાણીનું વહેણ તેજ હોવાથી યુવકનો મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે રક્ષાબંધનના દિવસે બપોરે બે કિશોરીઓ રાંદેર અને વેડરોડને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રડી રહી હતી. ત્યારે લોકોએ ત્યાં એકઠા થયા હતા. બંને દીકરીઓની ઉંમર 13 વર્ષ અને 14 વર્ષ હતી. રડી રહેલી દીકરીઓને પૂછતા તેઓએ કહ્યુ હતું કે, તેમના પિતાએ નદીમાં છલાંગ લગાવી છે.

આ જાણીને લોકો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. દીકરીઓ પાસેથી માહિતી મેળવીને તપાસ કરતા જાણવા મળ્યુ કે, સિંગણપોર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અશ્વિનભાઈ પાંડવ તેમની બે દીકરીઓને લઈને સિંગણપોર બ્રિજ આવ્યા હતા. જ્યાં તેમણે દીકરીઓન પોતાનો મોબાઈલ ફોન આપી દીધો હતો અને તાપી નદીમાં પડતુ મૂક્યુ હતું.

દીકરીઓની નજર સામે જ પિતાએ નદીમાં પડતુ મૂક્યુ હતું. 13 અને 14 વર્ષની ઉંમરની દીકરીઓ કંઈ સમજી શક્તી ન હતી. તેથી રડવા લાગી હતી. પિતા પગપાળા બંને દીકરીઓને ઘરેથી લઈને નીકળ્યા હતા, અને બાદમાં ત્યાજ મૂકીને મોત વ્હાલુ કર્યુ હતું. જોકે અશ્વિનભાઈએ ક્યાં કારણસર તાપીમાં પડતું મુક્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(5:09 pm IST)