Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બહિષ્કારનું એલાન : શિક્ષકોની સર્વેક્ષણના નામે કસોટી લેવી એ અપમાન સમાન

અનેક રજૂઆતો કરી છતાં સર્વેક્ષણ બંધ રાખવાનો નિર્ણય ન લેવાતા આખરે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો: શિક્ષકોએ સર્વેક્ષણ બહિષ્કાર અંગેના પ્રતિજ્ઞા પત્રો પણ લખ્યા

અમદાવાદ :  રાજ્યમાં આગામી 24 ઓગસ્ટના રોજ લેવાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. શિક્ષકોની સર્વેક્ષણના નામે કસોટી લેવી એ તેમના અપમાન સમાન હોવાનું ગણાવી સંગઠન દ્વારા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સંગઠનના આ નિર્ણયને લઈને રાજ્યના અનેક શિક્ષકો સર્વેક્ષણમાં ભાગ નહીં લે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ મુદ્દે મહાસંઘ દ્વારા અનેક રજૂઆતો કરી છતાં સર્વેક્ષણ બંધ રાખવાનો નિર્ણય ન લેવાતા આખરે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 24 ઓગસ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવામાં આવનાર છે. જોકે, શિક્ષકોના મતે સર્વેક્ષણના નામે શિક્ષકોની પરીક્ષા લેવામાં આવનારી હોવાથી તેનો ભારે વિરોધ થયો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ આ સર્વેક્ષણનો વિરોધ કરી બંધ રાખવા માટે માગણી કરી હતી. જેમાં મુખ્યમંત્રીથી લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષને લેખિત રજૂઆત કરી સર્વેક્ષણ બંધ રાખવા માટે રજૂઆત કરી હતી. જોકે, રાજ્ય પરીક્ષા બોર્ડ સર્વેક્ષણ માટે મક્કમ હોય તેમ તે અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે.

રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે એવી રજૂઆત કરી હતી કે, શિક્ષકો ટેટ, ટાટ અને એચ ટાટ જેવી પરીક્ષા પાસ કર્યા બાદ જ શિક્ષક તરીકે નોકરીમાં લાગ્યા છે. શિક્ષકોની સજ્જતાની અગાઉ ચકાસણી કરી લેવામાં આવી હોવાથી હવે તેમની સજ્જતાની ચકાસણી કરવાની જરૂર નથી. આમ, શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણના નામે લેવામાં આવી રહેલી પરીક્ષા એ શિક્ષકોના અપમાન સમાન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ બંધ રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

જોકે, આ મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાશે નહીં. સર્વેક્ષણના નામે પરીક્ષાને લઈ સંગઠન દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યુ છે અને શિક્ષકો આ સર્વેક્ષણનો બહિષ્કાર કરે તે માટેની જાહેરાત કરી દીધી છે. આમ, આગામી 24મીએ યોજાનારા સર્વેક્ષણ પણ શિક્ષકોના બહિષ્કારની ગંભીર અસર જોવા મળશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો પરીક્ષા આપીને પોતાની સજ્જતા સાબિત કરીને જ આવ્યા છે ત્યારે ફરી સર્વેક્ષણના નામે શિક્ષકોની કસોટી લેવી એ શિક્ષકોના અપમાન સમાન છે. જેથી સંગઠન દ્વારા આ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સર્વેક્ષણમાં શિક્ષકો ભાગ લેશે નહીં.

શિક્ષક સજ્જતા કસોટીના બહિષ્કારને લઈને શિક્ષકોએ સંગઠનને પ્રતિજ્ઞાપત્રો આપ્યા હોવાનું પણ જાણવા મળે છે. પ્રતિજ્ઞા પત્રમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો પ્રતિજ્ઞા લઈએ છીએ કે આગામી 24 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા લેવાનારી શિક્ષક સજ્જતા કસોટીના સર્વેક્ષણના નામે શિક્ષકોની કામગીરી તથા આવડત, હોશિયારી, ખંત, ઈમાનદારી પર શંકા ઉપજાવનારી પરીક્ષાનો અમે સામુહિક બહિષ્કાર કરીએ છીએ, તથા અમે આ પરીક્ષા ન આપવાનો સંકલ્પ કરીએ છીએ. તે દિવસે અમે કોઈ પણ જાતના દબાણને વશ થયા વગર પરીક્ષા ન આપવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

(9:26 pm IST)