Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સ્વીટીની હત્યાના દિવસે અજયના ઘરે જનારો મળ્યો

સ્વીટી પટેલ હત્યાની તપાસનો ધમધમાટ યથાવત : હત્યાના દિવસે અજય દેસાઈના કહેવાથી કિરિટસિંહે દૂધવાળા દ્વારા દૂધ, દહીં અને ઘી પહોંચાડ્યા હતા

 

અમદાવાદ, તા.૧૨ : સ્વીટી પટેલ મર્ડર કેસના મુખ્ય આરોપી અજય દેસાઈને રિમાન્ડ પૂરા થયા બાદ હાલ ભલે તેને જેલના હવાલે કરી દેવાયો હોય, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ હાઈપ્રોફાઈલ કેસની તપાસનો ધમધમાટ જરાય ઓછો નથી થયો. ગઈકાલે પોલીસે સ્વીટીની બોડીને જ્યાં સળગાવાઈ હતી ત્યાંથી કેટલાક ખૂબ જ મહત્વના કહી શકાય તેવા પુરાવા પ્રાપ્ત કર્યા હતા. સાથે જ, હવે પોલીસને બીજો પણ એક સાક્ષી મળી આવ્યો છે જે સ્વીટીનું મર્ડર થયું તે દિવસે અજય દેસાઈના ઘરે ગયો હતો. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્વીટીનું મર્ડર થયું તે દિવસે એક દૂધવાળો અજય દેસાઈના ઘરે ગયો હતો. તેણે દેસાઈને દૂધ, દહીં અને ઘી આપ્યા હતા. દૂધવાળાએ આ મામલે કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન પણ નોંધાવ્યું છે.

   સ્વીટીનું મર્ડર કર્યા બાદ અજયે પોતાના પરિચિત કિરીટસિંહને ફોન કરીને ઘી, દૂધ અને દહીં પોતાના ઘરે પહોંચાડવાનું કહ્યું હતું. અજયના કહેવા પર કિરીટસિંહે એક દૂધવાળાને અજય દેસાઈના ઘરે સામાન પહોંચાડવા કહ્યું હતું. આ દૂધવાળો ઓર્ડર પ્રમાણે પ્રાયોશા સોસાયટીમાં ગયો હતો, અને તેણે અજય દેસાઈને સામાન આપ્યો હતો. આમ, મર્ડરના દિવસે અજય દેસાઈના સંપર્કમાં આવ્યો હોય તેવો એક મહત્વનો સાક્ષી પોલીસને મળી આવ્યો છે.

કાયદાનો જાણકાર સસ્પેન્ડેડ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ કેસની ટ્રાયલ શરુ થાય ત્યારે કોઈ છટકબારી ના શોધી શકે તે માટે ક્રાઈમ બ્રાંચ તેની સામે મજબૂત પુરાવા એકત્ર કરવામાં લાગી છે. જોકે, સ્વીટીના અગાઉ મળેલાં સળગેલાં હાડકાંમાંથી ડીએનએ સેમ્પલ મળે તેમ ના હોવાથી પોલીસ મૂંઝવણમાં મૂકાઈ હતી. ત્યારબાદ ગઈકાલે ફરી અટાલી ગામમાં જ્યાં સ્વીટીની લાશ સળગાવાઈ હતી તે બિલ્ડિંગની આસપાસ પોલીસે મોટાપાયે સર્ચ કર્યું હતું. જેમાં બીજા કેટલાક મહત્વના પુરાવા મળ્યા હતા.

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વીટીનો અડધો બળેલો મંગળસૂત્ર, વીંટી અને બ્રેસલેટ ઉપરાંત પાંચ દાંત પણ મળી આવ્યા છે. જેના આધારે કેસ મજબૂત બનાવવામાં પોલીસ પ્રયાસો કરી રહી છે. અગાઉ આ જ જગ્યાએથી પોલીસે સ્વીટીના સળગેલાં હાડકાંનાં ૪૩ નમૂના એકત્ર કર્યા હતા. જેમાં ખોપડી, સાથળ, કરોડરજ્જુ તેમજ આંગળીના હાડકાંનો સમાવેશ થાય છે, જેને ફોરેન્સિક પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ તમામ પુરાવા એકત્ર કરવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી છે.

    લાશ સળગાવાઈ હતી તે જગ્યાએ ખોદકામ કરીને પોલીસે માટીને ચાળીને આ તમામ પુરાવા એકત્ર કર્યા છે. આ સિવાય અગાઉ વડોદરા પોલીસ દ્વારા કરાયેલા અજય દેસાઈના પોલિગ્રાફ ટેસ્ટ તેમજ સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટના રિપોર્ટમાં પણ એ વાતનો સંકેત મળ્યો છે કે તેણે જ સ્વીટીનું મર્ડર કર્યું છે. વડોદરા ગ્રામ્ય એસઓજીમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ કરાયેલા અજય દેસાઈને સ્વીટી સાથે ખૂબ જ ઝઘડા થતા હતા. સ્વીટી અજયની કાયદેસરની પત્ની તરીકેનો હક્ક ઈચ્છતી હતી, પરંતુ અજયે સમાજના રિવાજ અનુસાર બીજી એક યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી તેની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. આખરે તેણે સ્વીટીનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું અને ૦૫ જૂનના રોજ તે ઊંઘમાં હતી ત્યારે જ ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.

(7:45 pm IST)