Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

૧૩૦૦ હેક્ટર્સ જમીન અતિક્રમણ મુક્ત કરાવી

જંગલો બચાવવાના ફોરેસ્ટ ઓફિસરના પ્રયાસ : અધિકારી પર ટ્રેક્ટર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, મુક્ત જમીન વાંસડા નેશનલ પાર્કનો અડધો વિસ્તાર કવર કરે છ

 

સંજેલી(દાહોદ), તા.૧૨ : બારિયા ક્ષેત્રના જંગલોમાં વૃક્ષો અને વન્યજીવોની રક્ષા કરવાનું બીડું રાકેશ વણકર નામની એક વ્યક્તિએ ઉપાડ્યું છે. ૩૬ વર્ષીય રાકેશ વણકર સંજેલી રેન્જના ફોરેસ્ટ ઓફિસર છે જે સુનિશ્ચિત કરે છે કે તેમનો વિસ્તાર ઘૂસણખોરોથી મુક્ત રહે. પોતાની રેન્જના જંગલો અને સમગ્ર વિસ્તાર સ્વચ્છ રહે તે સુનિશ્ચિત કરવું એ રાકેશનું મિશન છે. જો કે, આ કામ એટલું સરળ પણ નથી.

આ જટિલ કામને પાર પાડવા માટે રાકેશે પોતાનો જીવ પણ જોખમમાં મુકવો પડે છે. ૨૦૧૯માં સ્થાનિકોએ રાકેશ પર ટ્રેક્ટર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશે જણાવ્યું કે, આ એક કપરું કામ છે, પરંતુ અમે દ્રઢ નિર્ધાર કર્યો છે. પાછલા અઢી વર્ષમાં રાકેશે અતિક્રમણ કરનારા લોકો સાથે લડીને લગભગ ૧૩૦૦ હેક્ટર્સ જમીન પાછી મેળવી છે. આ જમીન વાંસડા નેશનલ પાર્કનો લગભગ અડધો વિસ્તાર કવર કરે છે.

રાકેશ જણાવે છે કે, જ્યારે માર્ચ, ૨૦૧૯માં હું સંજેલી ખાતે જોડાયો તો મેં જોયું કે જંગલની મુખ્ય જમીન અતિક્રમણનો ભોગ બની છે, માટે આ દબાણને હટાવવાનો મેં નિર્ધાર કર્યો. અમારી ટીમ દરરોજ સવારે છ વાગ્યે જંગલમાં જતી હતી અને અડધી રાત્રે પાછી ફરતી હતી. જો અમને લાગે કે કોઈ જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તો અમે તાત્કાલિક તેને મુક્ત કરવાના પ્રયાસો શરુ કરતા હતા. મને અમુક દસ્તાવેજોની અધિકૃતતા પર શંકા હતી, માટે અમે ડિવિઝન ઓફિસમાં જઈને તેની ચકાસણી કરી. અમને જાણવા મળ્યું કે આમાંથી ૨૬ દસ્તાવેજો નકલી હતા. ઘણાં કેસમાં તેઓ અમારી સમક્ષ દલીલ કરતા હતા કે તેમણે જમીન માટે દાવો માંડ્યો છે, પરંતુ જ્યારે અમે તપાસ કરીએ તો તેમની વાત ખોટી સાબિત થતી હતી. જ્યારે ફરી એકવાર જમીન પર હરિયાળી છવાઈ ગઈ તો તે જોઈને રાકેશ વણકરની આંખમાં ચમક આવી ગઈ. ઉત્સાહ સાથે તેઓ જણાવે છે કે, જંગલને નવજીવન મળ્યું તો ગામના લોકો પણ ખુશ છે કારણકે તેમને પ્રાણીઓ માટે ચારો મળી રહે છે. તેમની આસપાસ વન્ય વિસ્તાર વધવાને કારણે તેઓ ખુશ છે. બારિયા વિસ્તારના ડેપ્યુટી કન્ઝર્વેટર આર.એમ.પરમાર જણાવે છે કે, જમીનના રેકોર્ડને વેરિફાઈ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાકેશ વણકરે ઘણી મહેનત કરી છે. જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે તેમણે અદ્દભુત કામ કર્યું છે. અમે તેમના પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ.

(7:43 pm IST)