Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમદાવાદમાં ડ્રગ્સ માફીયાઓ ફરી બેફામઃ ઍમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

મુંબઇથી અમદાવાદ ઍમ.ડી. ડ્રગ્સ લઇને આવેલા બંને શખ્સોને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધાઃ ૭ લાખનો મુદ્દામાલ જપ્ત

 

અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી પોલીસે એમડી ડ્રગ્સના અનેક કેસો પકડી પાડ્યા બાદ હવે ડ્રગ્સ માફિયાઓ એલર્ટ થઈ ગયા છે. નશાનો વેપાર કરતા બુટલેગરો પર પોલીસે સંકજો જમાવી દીધો હોય તેમ થોડાક દિવસો જોવા મળ્યું હતું, પરતું શહેરમાં ફરી એકવાર એમડીના પેડલરો દ્વારા ધંધો શરુ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી અમદાવાદ લાવવામાં આવતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની 7 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ ગેરકાયદેસર પ્રવૃતિ પર પોલીસે લાલઆંખ પણ કરી છે. જેના કારણે નશાનો કારોબાર કરતા વેપારીઓમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો અને શહેરમાં નશાના કારોબાર અંકુશમાં આવી ગયું હતું. પરતું ફરી એકવાર બુટલેગરો દ્વારા એમડીની હેરાફેરી કરવાની પ્રવૃતિ શરુ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 લાખના એમડી સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ મુંબઈથી અમદાવાદ એમડી ડ્ર્ગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા. જયારે એનસીબીની ટીમે પણ કોકેઇનના જથ્થા સાથે દિલ્લીથી અમદાવાદ આવતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. દિલ્લી એરપોર્ટથી 4 કિલો કોકેઈન સાથે ટેરિક પિલ્લાઈને ઝડપી પાડ્યો છે.

ઉલ્લ્ખનીય છે કે, થોડાક દિવસો પહેલા ડ્રગ્સ માફિયાઓએ એમ ડી ડ્રગ્સની હેરફેરની નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી હતી. જેમાં હવે પાન મસાલાના પાઉચમાં એમડી ડ્રગ્સને ભેળવીને રૂપિયા 1500થી રૂપિયા 3000 સુધીમાં તેનું વેચાણ કરતા હતા. અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી પોલીસે એમડી ડ્રગ્સના અનેક કેસો પકડી પાડ્યા બાદ હવે ડ્રગ્સ માફિયાઓ એલર્ટ થઈ ગયા છે.

વિશ્વસનિય સૂત્રો પાસેથી મળી રહેલ સમાચાર અનુસાર, એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ તો કરી છે પરંતુ હજું પણ ડ્રગ્સના ધંધાને અન્ય માથાભારે તત્વો ચલાવી રહ્યાં છે, તો પોલીસ સંપૂર્ણપણે તપાસ કરે તો અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સના ધંધાને જડમૂળમાંથી ઉખાડીને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. સુત્રો પાસેથી મળી રહેલ માહિતી અનુસાર, ઘણા આરોપીઓ પોલીસની પીઠ પાછળ નશાનો ધંધો કરી રહ્યાં છે. તેવામાં સામાન્ય લોકોમાં પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે કે, શું પોલીસને નશાનો ધંધા કરનારાઓ વિશે કોઈ માહિતી જ નથી? શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી અજાણ હોવાનું નાટક કરી રહી છે? પોલીસની પીઠ પાછળ ધંધો થતો હોય અને પોલીસને તેની જાણ ના હોય તેવું બને ખરૂ?

(5:42 pm IST)