Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વડોદરા:પોર-ઈટોલા ચોકડી નજીક ટ્રકમાં શાકભાજીની આડમાં સંતાડીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી

વડોદરા: પોર-ઇંટોલા ચોકડી પરથી પસાર થતી એક ટ્રકમાં સળી ગયેલા શાકભાજીની નીચે સંતાડીને લઇ જવાતો દારૃનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. દારૃ ભરેલા ટેમ્પાનું પાયલોટિંગ કરતી એક કારને પણ પકડી કુલ ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી છે.

આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની મારુતિ  રિટ્ઝ કાર પાયલોટિંગ કરી તેની પાછળ સફેદ રંગનો અશોક લેલન્ડ ટેમ્પો વડોદરા તરફથી આવે છે. આ ટેમ્પોમાં શાકભાજી ભર્યા છે તેમજ તેની નીચે દારૃ સંતાડયો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ વોચ ગોઠવી  હતી. સાંજના સુમારે બાતમી મુજબની કાર આવતા તેને રોકી હતી બાદમાં પાછળ ટેમ્પો આવતા તેને પણ અટકાવાયો હતો.

કારમાં બેસેલા બે શખ્સોની પૂછપરછ કરતા પોતાના નામ સત્યનારાયણ પૃથ્વીરાજસિંહ ચૌહાણ (રહે.બડાકોટડા, તા.ગડી, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન) અને ભગવતસિંહ ભોપાલસિંહ રાણાવત (રહે.દાદીયા તા.ગોગુંદા, જિલ્લો ઉદયપુર, રાજસ્થાન) જણાવ્યું હતું જ્યારે ટેમ્પાના ડ્રાઇવરનું નામ મુકેશ દેવીલાલ પંચાલ (રહે.પડાકોટડા તા.ગડી, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન) જાણવા મળ્યું હતું.

પોલીસે ટેમ્પામાં તપાસ કરતા સળી ગયેલ કોબીઝનો જથ્થો અને તેની નીચે દારૃની ૬૬ પેટીઓમાં સંતાડેલા૩૧૬૮ પાઉચ મળ્યા હતાં. પોલીસે દારૃના પાઉચ, ત્રણ મોબાઇલ અને ટેમ્પો તેમજ કાર મળી કુલ રૃા.૭.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો  હતો. દારૃનો જથ્થો બડાકોટડા ખાતે નારાયણસિંગ ભવાનીસિંગ રાવે સરકારી ઠેકા પરથી ભરાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:05 pm IST)