Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વડોદરાના મોગલવાળા વિસ્તારમાં હોટલમાં મફત જમવા બાબતે થયેલ તકરારમાં ચાર હુમલાખોરોએ હોટલના કર્મચારી પર હુમલો કરી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના મોગલવાળા વિસ્તારમાં આવેલી શાલીમાર હોટલમાં મફત જમવા બાબતે થયેલી તકરારમાં ચાર હુમલાખોરોએ હોટલ કર્મચારીને પાઇપ વડે માર મારી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ વાડી પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતા રફિકભાઈ કુરેશી મોગલવાળા વિસ્તારમાં જહાંગીરપુરા મસ્જિદ પાસે આવેલી શાલીમાર હોટલમાં નોકરી કરે છે. ગઇકાલે તેઓ નોકરી પર હાજર હતા. દરમ્યાન બપોરના સુમારે તોસીફ મયુદ્દીન શેખ, જાવેદ ગોદરીયા તેના અન્ય બે અજાણ્યા મિત્રો સાથે જમવા માટે પહોંચ્યો હતો. જ્યાં જમવાના નાણા ચૂકવવા ઇન્કાર કરતા રફિકભાઈએ જમવાનું મફત નહીં આપવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ પીવીસી પાઇપ વડે હુમલો કરી દરમિયાનગીરી કરનાર શેઠના છોકરાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે ચારેય હુમલાખોરો વિરુદ્ધ મારામારી, ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:05 pm IST)