Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સુરત:અગાઉ સાડીની દુકાનમાં નોકરી દરમ્યાન ચેક રિટર્નના કેસમાં મહિલાને અદાલતે એક વર્ષની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં આજથી ચારેક વર્ષ પહેલાં મેનેજર પતિએ સાડીની દુકાનમાં નોકરી દરમિયાન કરેલી  હિસાબી ભુલને લીધે ફરિયાદી માલિકના બાકી નીકળતા લેણાંના પેમેન્ટ તરીકે આરોપી મહીલાએ લખી આપેલા 5 લાખના ચેક રીટર્ન કેસમાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશ વર્માએ આરોપી મહીલાને દોષી ઠેરવી એક વર્ષની કેદફરિયાદીને રૃ.5.90લાખનું વળતર ત્રીસ દિવસમાં ચુકવવા તથા ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

મોટી બેગમવાડી સ્થિત શ્રી શ્યામ માર્કેટમાં સાલુ ફેશનના ફરિયાદી સંચાલક પ્રવિણ કરતાચંદ કલ્યાણીની દુકાનમાં વર્ષ-૨૦૧૪ આરોપી સોનીયાદેવી  ભણસાળીના પતિ રાકેશ ભણસાળી પોતાને વેચાણનો અનુભવ હોવાનું જણાવી નોકરીએ રાખવાનું જણાવતા તેમને મેનેજર તરીકે નોકરીએ રાખ્યા હતા.જેથી નોકરીના કાર્યકાળ દરમિયાન એપ્રિલ-2015થી ડીસેમ્બર-૨૦૧૬ સુધીના હિસાબને ફરિયાદીએ ચેક કરતા હિસાબમાં ભુલ હોઈ ફરિયાદીએ રૃ. 25.90 લાખના લેણાં બાકી નીકળતા હતા.જેના પાર્ટ પેમેન્ટ પેટે મેનેજર રાકેશ ભણસાળીના પત્ની સોનીયાદેવીએ રૃ.5 લાખના ચેક ફરિયાદીને લખી આપ્યા હતા.જેને ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા ફરિયાદી પ્રવિણચંદ કલ્યાણીએ કિશોર હિંગુ મારફતે  આરોપી સોનીયાદેવી ભણસાળીને આપેલી નોટીસનો સંતોષકારક જવાબ ન મળતાં ચેક રીટર્નની કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે હાલના ફરિયાદીએ આરોપી મહીલાના પતિનુ અપહરણ કરી આરોપી તથા તેના પુત્રને ધમકી આપીને ચેક તથા જુલાઈ-2017માં લખાણ લખાવ્યું હોઈ અડાજણ પોલીસમાં તેની વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી.જો કે કોર્ટે આરોપીના બચાવપક્ષની દલીલને માન્ય રાખવાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે માત્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાથી આરોપી વિરુધ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ -139 મુજબના અનુમાનનું ખંડન થતું નથી.

(5:02 pm IST)