Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સુરતના ઓલપાડના એરથાણ ગામે બે જર્જરીત સરકારી આવાસ ધરાશાયીઃ 2 પરિવારના 7 લોકો કાટમાળમાં દબાયાઃ 2 વર્ષની બાળાનું મોત

ઉંઘી રહ્યા હતા ત્‍યારે જ ઇમારત કાળ બનીને ત્રાટકી

સુરત: સુરતના ઓલપાડના એરથાણ ગામે બે જર્જરિત સરકારી આવાસ ધરાશાયી થતાં ઘરમાં ઊંઘી રહેલા 2 પરિવારના સાત લોકો દબાયા, જેમાં 2 વર્ષની પાયલ નામની બાળકીનું મોત થયું છે. ઘટનાને પગલે બુમાબુમ થતા સ્થાનિકો દોડીને આવ્યા અને ભારે જહેમત બાદ દીવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સુરતના આદિવાસી પરિવાર માટે જર્જરિત આવાસ મોત બનીને તૂટી પડ્યા છે. મોડી રાત્રે બે પરિવાર જર્જરિત જર્જરિત આવાસમાં ઊંઘી રહ્યા હતા તે દરમિયાન આવાસ ધરાશાયી થયા હતા, જેમાં એક આવાસની દીવાલ બીજા આવાસ પર પડી હતી અને બંને આવાસો તૂટી પડ્યા. માત્ર સુરતના ઓલપાડમાં જ નહીં પણ સુરત જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આવા જર્જરિત આવાસો છે, જ્યાં કોઈ પણ પ્રકારની મરામત કે નોટિસ કે અન્ય કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ચોક્કસ કામગીરી કરશે, કે જેથી આવી ઘટનાઓ ન બને તે પણ સૌથી મોટો સવાલ છે.

બે વર્ષની બાળકીનું મોત

એરથાણ ગામના વ્યારા કોલોનીમાં રાત્રે નવ-દસ વાગ્યાની આસપાસ એક આવાસની દિવાલ ધરાશાયી થતા તેની બાજુમાં આવેલું બીજું આવાસ પણ જમીનદોસ્ત થઇ ગયું હતું. બંને આવાસ અચાનક તૂટી પડ્યા ત્યારે બે આવાસમાં આદિવાસી પરિવારો ઊંઘી રહ્યા હતા. બંને પરિવારના સાત લોકો દીવાલ નીચે દબાઈ ગયા હતા. જોકે દીવાલ નીચે દબાઈ ગયેલા લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ઓલપાડ અને સાયણની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બે વર્ષની પાયલ નામની બાળકીનું મોત થઇ ગયું હતું. જ્યારે અન્ય લોકો નાની મોટી ઈજા થઇ હતી. જેમાંથી વધુ ઈજા પામનાર પરિવારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરતની સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જયારે દિવાલ નીચે દબાઈ ગયેલા લોકોને પાડોશમાં રહેતા ભરતભાઈ રાઠોડ બચાવી રહ્યા હતા, ત્યારે ઘરમાં તૂટીને પડેલા વાયરોમાંથી કરંટ લાગી રહ્યો હતો. તો બીજી તરફ અન્ય નમી ગયેલી દીવાલ એક હાથે પકડી રાખી અન્ય દબાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે 108 ઘટના સ્થળે આવે એ પહેલા સ્થાનિકો પોતાના ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને લઇ ઓલપાડ સી.એચ.સીને સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા.

સમયસર સારવાર મળી જતા અન્ય લોકોનો જીવ બચી ગયો હતો. જોકે ગંભીર ઈજાના કારણે બે વર્ષની પાયલ નામની બાળકીનું મોત નિપજ્યું હતું. માત્ર ઓલપાડ તાલુકામાં નહિ, પણ સમગ્ર જિલ્લામાં ગરીબ આદિવાસીઓને આવાસનો કબજો આપ્યા બાદ સરકારી બાબુઓ પોતાની જવાબદારી ભૂલી જતા હોય છે અને જર્જરિત આવાસો સમય સમયે રિપેર નહી કરાતા આવી દુર્ઘટના બનતી રહે છે. પણ દુઃખની વાત એ છે કે નિર્દોષ ગરીબોના મોત પછી પણ તંત્ર જર્જરિત આવસો રિપેર કરવા કોઈ કામગીરી કરાતી નથી. આવા તો આખા જીલ્લામાં કેટલા આવાસો હશે જે દુર્ઘટનાની રાહ જોઇને બેઠા હશે.

(4:58 pm IST)