Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના કુકરડા ગામે અનોખી રીતે ઉજવાયેલ દિવાસાનો તહેવાર આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યોઃ પ્રકૃત્તિના દેવોની પૂજા કરાઇ

પારંપારિક વષાોમાં સજ્જ થઇને આદિવાસી નૃત્‍ય સાથે નાચગાન

છોટાઉદેપુર: ગુજરાતના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે અનોખી રીતે ઉજવાયેલ દિવાસાનો તહેવાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સારા પાકની વાવણી બાદ આદિવાસીઓ દ્વારા પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવાનો દિવસ એટલે દિવાસો. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના પ્રત્યેક ગામમા સારો વરસાદ થાય અને વાવણી કર્યા બાદ સારા પાકની ખુશીમાં પ્રકૃતિનો આભાર વ્યક્ત કરવા અલગ અલગ દિવસે દિવાસો ઉજવવામાં આવે છે. હાલ અહીના ખેડૂતો ખુશખુશાલ છે. કુલ ત્રણ દિવસના આ તહેવારમાં પ્રથમ દિવસે ઘાયનું એટલે કે પ્રકૃતિના દેવોને ગીતો ગાઈને આમંત્રણ આપવામાં છે. બીજા દિવસે દેવોની પૂજા કરવામાં આવે છે અને ત્રીજા દિવસે ઢેબરાં સહિતની વાનગીઓ બનાવી તહેવારની ઉજાણી કરવામાં આવે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના  નસવાડી તાલુકાના કુકરદા ગામમાં ઉજવાતો દિવાસાનો તહેવાર ઉજવવા માટેની અનોખી રીતને લઈ દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે.

અહીં દિવાસાની ઉજવણી કરવા દર વર્ષે મહિલાઓ અગાઉથી તહેવારના દિવસે પરિધાન કરવાના વસ્ત્રોની થીમ નક્કી કરી એક જ રંગના અને એક જ પ્રકારના વસ્ત્રો પહેરે છે. પરંપરા મુજબ પિહવાંનાં સૂર સાથે આદિવાસી પારંપરિક વાજિંત્રો વગાડી આદિવાસી નૃત્ય સાથે નાચગાન કરી દિવાસાનાં તહેવારનો આનંદ માણે છે. ગત વર્ષે આછા ભૂરા રંગનાં વસ્ત્રોની થીમ હતી. જ્યારે આ વર્ષે ભૂરા રંગનાં વસ્ત્રોની થીમ નક્કી કરવામાં આવી છે. કુકરદા ગામમાં ભીલ જ્ઞાતિના આદિવાસી લોકો દ્વારા ઉજવાતો પારંપરિક દિવાસાનો તહેવાર પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એક સરખા રંગના વસ્ત્રો અને પારંપરિક ઘરેણાંઓ ગ્રહણ કરી સોળશણગાર કરી આદિવાસી નૃત્ય કરી મહાલતી રહી છે અને તેમને જોવા લોકોના ટોળા ઉમટે છે.

(4:56 pm IST)