Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગાંધીનગર જિલ્લાના શિહોલી ગામમાં ઉભરાતી ગટરના ત્રાસથી ગ્રામજનોના સ્વાસ્થ્ય પર જોખમ

ગાંધીનગર:જિલ્લાના શિહોલી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવાના કારણે ગંદુ પાણી સતત વહેતુ હોવાથી અવર જવર કરતાં ગ્રામજનો તેમજ વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરીને પસાર થવું પડે છે. ઉપરાંત આસપાસના વિસ્તારમાં વસવાટ કરતાં સ્થાનિકોને પણ દુર્ગંધયુક્ત વાતાવરણનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગાંધીનગર જિલ્લાના ઘણા ગામોમાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય આયોજન ગોઠવવામાં નહીં આવતાં ચોમાસાની મોસમમાં અનેક મુશ્કેલીઓનો સામનો ગ્રામજનોને કરવો પડતો હોય છે. ત્યારે શિહોલી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યાં છે. ગંદા પાણી સતત વહેતા હોવાના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણનો સામનો કરીને અવર જવર કરવી પડે છે. તો બીજી તરફ ગામના મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર ગટરના ગંદા પાણી વહેતા હોવાના કારણે પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ગંદુ પાણી ભરાયેલું રહેતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામે છે જેના કારણે રોગચાળાનો ભય પણ ગ્રામજનોે સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે દુર્ગંધયુક્ત પાણી વહેતુ હોવાથી ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. 

(4:56 pm IST)