Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા

પાટણ:જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગને લઇને હડતાલ પર ઉતરી જતા છેલ્લા ત્રણ દિવસથી નગરના જાહેર માર્ગો પર કચરાના ઢગલા અને ગંદકી ફેલાઈ છે. શ્રાવણ માસમાં નગરમાં ઠેર ઠેર ફેલાયેલ ગંદકી બાબતે સત્તાધારી અને વિપક્ષ સદસ્યના અકળ મૌનને કારણે રોગચાળો ફેલાવાની દહેશત વધી છે.

રાધનપુર નગરપાલિકામાં સત્તાધારી કોંગ્રેસની બોડી દ્વારા સફાઈ કામદારોની તાજેતરમાં કરવામાં આવેલી ૧૬ જણની ભરતીને લઈને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર જવાને કારણે શહેરમાં ઠેરઠેર કચરાંના ખડકલા સર્જાયા છે. આ ઉપરાંત ગટરો ઉભરાવવાને કારણે મોટાભાગના વિસ્તારોમાં અસહ્ય ગંદકી ફેલાવા પામી છે. નગરમાં આવેલ જે.પી.કુમાર શાળા વઢીયાર ગોડાઉન લાલ બાગ વિસ્તાર કુંભારવાસ સહિતના વિસ્તારોમાં ગંદકી અને ગટરના પાણીની સમસ્યા વધુ  ફેલાઈ છે. સફાઈના અભાવે નગરના પટણી દરવાજાથી હાઈવે સુધીના જાહેર માર્ગ પર દુકાનદારો દ્વારા ફેંકવામાં આવેલા કચરો માર્ગ પર ફેલાતા લોકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સફાઈ કામદારોના જણાવ્યાનુસાર, નગરપાલિકામાં તાજેતરમાં સફાઈ કામદાર તરીકે પાલિકામાં કરવામાં આવેલ ૧૬ કર્મચારીઓની ભરતીમાં પાલિકાના સત્તાધીશો દ્વારા કૌભાંડ આચરી સફાઈ કામદાર તરીકે વાલ્મિકી સમાજના માત્ર એક યુવકને લેવામાં આવ્યો છે તેવા આક્ષેપોને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેપી કુમાર શાળા નજીક ફેલાયેલ ગંદકી બાબતે સ્થાનિક રહીશ સલીમભાઈના જણાવ્યાનુસાર નગરપાલિકા દ્વારા લોકો પાસેથી સફાઈ પાણી દિવાબત્તીના નામે હજારો-લાખો રૂપિયા વારો વસૂલવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં આવતી નથી.નગરના વઢીયાર ગોડાઉન નજીક રહેતા સાયરા બેને જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ફેલાયેલ ગંદકી બાબતે નગરપાલિકા પ્રમુખ મહેશભાઈને વારંવાર જાણ કરવા છતાં પણ કચરાના ઢગલા કોઈ ઉપાડતુ નથી. સફાઈ કામદારોની હડતાલને લઈને નગરમાં ઠેરઠેર ફેલાયેલ ગંદકી બાબતે નગરપાલિકામાં ચૂંટાયેલા સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના સદસ્યો દ્વારા કોઈ ગંભીરતા ન દાખવવામાં આવતા લોકો રોગચાળાની ચિંતામાં જીવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા રોજમદારો મારફતે તાત્કાલિક નગરમાં સફાઇ કરાવવામાં આવે તેવી માંગણી વધી રહી છે.

(4:55 pm IST)