Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સુરતમાં સરકારી કર્મચારીના નામે કંપનીઓની પોલીસીઓનું પેમેન્‍ટ રિલીઝ કરાવવાના બહાને છેતરપીંડી આચરનાર ગેંગને સાઇબર ક્રાઇમે ઝડપી લીધી

રૂ.12 લાખ રોકડા-4 મોબાઇલ સાથે 4 ઝડપાયા

સુરત: સરકારી કર્મચારી તરીકેની ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં પોલિસીઓ લેવડાવી પોલિસીઓનું પેમેન્ટ રિલીઝ કરાવવાના બહાને અલગ-અલગ ચાર્જ જણાવી છેતરપીંડી કરનાર ગેંગને સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે. જેમની પાસેથી પોલીસે 4 મોબાઈલ અને રૂપિયા 12 લાખ કબજે કરાયા છે.

સુરતમાં રહેતા યુવાનને ઓક્ટોબર 2017 થી અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી અલગ અલગ વીમા કંપનીમાં ટીડીએસ, જીએસટી અને ઇન્કમટેક્ષના નામે, બીજા રાજ્યમાંથી પૈસા ટ્રાન્સફર કરવા, પેનશનની યોજનાના નામે અલગ અલગ સ્કીમો સમજાવી લોભામણી સ્કીમો આપી હતી. લોભામણી વાતોમાં આવી જઈ ફરિયાદીએ પુત્ર, પુત્રવધુ તથા સગા સંબંધીઓના નામે અલગ અલગ વીમા કંપનીઓમાં રૂ 48 લાખની અલગ અલગ પોલિસી લેવડાવી હતી.

બાદમાં પેમેન્ટ રિલીઝ કરવાના બહાને અલગ અલગ ચાર્જના નામે રૂપિયા 42.81 લાખ પડાવી લઈ બાદમાં પેમેન્ટ રિલીઝ નહિ કરી છેતરપીંડી કરાઈ હતી. આ અંગે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરું કરી હતી. તપાસ દરમિયાન પોલીસે દિલ્હીથી અબ્દુલ ખાન, ઉંમર મિયા, આકીબ ખાન અને ઈરફાન અહમદને ઝડપી પાડ્યા હતા. જેમની પાસે થી પોલીસે 4 મોબાઈલ ફોન અને રૂ 12 લાખ રોકડા કબજે કર્યા હતા.

પૂછપરછ દરમિયાન આ ગેંગ દિલ્હીમાં બેસીને સમગ્ર ફ્રોડને અંજામ આપતા હતા. જો કે, હજી સુધી કેટલા લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી. આ તમામ લોકો કાપડનો ધંધો કરતા હોવાનું બતાવતા હતા. સ્થાનિક કોલ સેન્ટર પર જે જેન્યુલ લોકો પોલિસી લેતા હતા. તેમને ટાર્ગેટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે ચારેયને કોર્ટ માં રજૂ કરી તેઓએ અગાઉ કોઈને ટાર્ગેટ કર્યા છે કે કેમ તે અંગે જાણવા કોર્ટમાં રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

(4:54 pm IST)