Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમદાવાદમાં મોહર્રમનું જુલૂસ નહિ નીકળેઃપોલીસ સાથેની બેઠક સફળ

કોરોનાની સંભવિત ત્રીજી લહેર ધ્યાને લઈ નિર્ણય આવકારદાયક, કોરોના અન્ય રાજ્યોમાં દસ્તક દઇ રહ્યો છે ત્યારે સરકારના પ્રયાસોમાં સાથ આપવો એ જ સાચો નાગરિક ધર્મઃ એડી.પોલીસ કમિશનર સાથે 'અકિલા' વાતચીત

  રાજકોટ તા. ૧૨,  કોરોનાની સંભવિત ત્રીજી લહેર વિશ્વના દેશો સહિત દેશના સાઉથના રાજ્યોમાં દેખા દિધાના પગલે પગલે ગુજરાતમાં સાવચેતી ખાતર અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેવા લોકોના વિશાળ હિતમાં અમદાવાદમાં તાજીયા જુલુસ નહિ કાઢવા માટે તાજીયા કમિટી દ્વારા સહમતી આપવામાં આવતા આ નિર્ણયને ભારે આવકાર મળ્યો છે. 

 ઉકત બેઠકમા અમદાવાદના સેકટર હેડ એડી.પોલીસ કમિશનર  રાજેન્દ્ર અસારી તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વડા એવા પ્રેમવીરસિહ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવના પ્રતિનિધિ તરીકે સામેલ થયા હતા.

 'અકિલા' સાથેની વાતચીતમાં અમદાવાદના એડી.પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં તાજીયા જુલુસ નહિ કાઢવાના નિર્ણયને આવકાર્યો હતો. તેઓ દ્વારા વિશેષમાં જણાવેલ કે રાજ્ય સરકાર સંભવિત ત્રીજી લહેર સામે રાત દિવસ તયારીઓ કરી રહી છે. ત્યારે આપણાં સહુની ફરજ પણ સાવચેતી સ્વયંભૂ રાખવાની છે.

 તેઓ દ્વારા લોકોને ગણપતિ વિસર્જન અંગેની હાલના સંજોગો ધ્યાને લઈ કરાયેલ નિર્ણયમાં સહયોગ આપવા તથા ઘેર બેસાડેલા ગણપતિ વિસર્જન પોતાના ઘરમાં જ કરવા અપીલ કરી નિયમ ભંગ થશે તો પોલીસ કાયદાકીય કાર્યવાહી સખત રીતે કરશે તેમ જણાવેલ છે. ઉકત મિટિંગમાં તાજીયા કમિટીના ચેરમેન જે.વી. મોમીન, વાઇસ ચેરમેન શેરઅલી ગુલામઅલી,જનરલ સેક્રેટરી નુરુભાઈ તથા અખાડા કમિટીના રજબઅલી સહિતના અગ્રણીઓ હાજર રહેલ.

(4:22 pm IST)