Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

તોલમાપ નિરીક્ષકો હવે મનફાવે તેમ તપાસ નહીં કરી શકે : પારદર્શીતા લાવતો પરીપત્ર

ઇન્સ્પેકશનનો રીપોર્ટ ૪૮ કલાકમાં વેબસાઇટ પર મુકવો પડશે : વેપારીઓ છેલ્લા ત્રણ વર્ષના હિસાબો ઓનલાઇન જોઇ શકશે

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૧૨ :  તોલમાપ નિરીક્ષકો પોતાની મનમરજી પ્રમાણે તોલમાપને લગતી કાનુની કાર્યવાહી અને ઇન્સ્પેકશન નહીં કરી શકે તેવો પરીપત્ર રાજયના કાનુની માપ વિજ્ઞાન અને નિયંત્રક દ્વારા કરાયો છે.

સીઆઇએસ સીસ્ટમને અમલી બનાવતા આ હુકમમાં એવુ પણ જણાવાયુ છે કે એક જ વેપારી કે એકમને ત્યાં બીજી વખત તપાસ તે જ નિરીક્ષક કરી શકશે નહીં. નિયત કરેલ નોર્મસ મુજબ જ તોલમાપ નિરીક્ષકો ઇન્સ્પેકશન કરી શકશે અને તેનો રીપોર્ટ ૪૮ કલાકમાં વેબસાઇટ પર મુકવાનો રહેશે. આમ થવાથી ગુજરાતના કોઇપણ વિસ્તારનો વેપારી કે એકમ પાછલા ત્રણ વર્ષનો રીપોર્ટ ઓનલાઇન જોઇ શકશે. તેમજ રીપોર્ટને ડાઉનલોડ કરી પ્રિન્ટ પણ કાઢી શકશે.

આમ તોલમાપ વિભાગે પારદર્શકતા લાવવા કરેલા પ્રયાસોને વેપારીઓએ આવકારેલ છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જયશવંતસિંહ વાઘેલાએ અનેક વખત રજુઆતો કરી હતી.

(4:01 pm IST)