Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

નોકરી રજીસ્ટ્રેશનના પૈસા પરત આપવાનું કહીને ગોતામાં રહેતા યુવકે યુવક સાથે હજારોની ઠગાઈ

ફોર્મ ભરાવીને યુવકના ખાતામાંથી રૂ.98 હજાર ઉપાડી ઠગાઈ કરી : સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદના ગોતામાં રહેતા યુવકે નોકરી માટે સાઈન ડોટ કોમ નામની એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કર્યું હતું. યુવક પર ફોન આવ્યો તેમાં જણાવ્યું કે, સાઈન ડોટ કોમ એપ્લિકેશનમાંથી બોલુ છું તમને નોકરી ન મળી હોવાથી રજીસ્ટ્રેશન કરાવે પૈસા રીફંડ આપવામાં આવશે. તેમ કહીને એક ફોર્મ ભરાવીને યુવકના ખાતામાંથી રૂ.98 હજાર ઉપાડી ઠગાઈ કરી હતી. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોતામાં રહેતા રિતેષ શ્રીમાળીએ દોઢેક વર્ષ પહેલા સાઈન ડોટ કોમ નામની વેબસાઈટ પર નોકરી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને અવાર નવાર વેબસાઈટ પર મેઇલ, કસ્ટમરકેર નંબર પર ફોન કરી તેમજ વોટસ્એપ મેસેજ કરી નોકરી માટે પુછપરછ કરતા હતા. દરમિયાનમાં રિતેષભાઈ નોકરી પર હાજર હતા.

ત્યારે તેમને ફોન આવ્યો હતો કે, હું મોહીત કુમાર બોલુ છું તમે જે સાઈન ડોટ કોમમાં નોકરી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે જે નોકરી તમને મળેલ ના હોય તો તમને કંપની તરફથી બે હપ્તામાં તમે ભરેલા પૈસા રિફંડ આપશે. તેમ કહીને એક ફોર્મ ભરાવીને રૂ.10 નું બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. આ રકમ પણ પાછી આવી જશે તેમ જણાવ્યું હતું.

જેથી રિતેષભાઈએ ફોર્મ ભરીને રૂ.10 નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યાર બાદ તેમના એકાઉન્ટમાંથી રૂ.98 હજાર કપાઈ ગયા હતા. જેથી આવેલા નંબર પર ફોન કરતા જણાવ્યું હતું કે, ટેકનીકલ એરર હોવાના કારણે તમારા પૈસા અમારા ખાતામાં આવી ગયા છે જે 24 કલાકમાં પરત આવી જશે. તેમ જણાવી ફોન મુકી દીધો હતો.

બાદમાં દિવસો પસાર થવા લાગ્યા પરંતુ પૈસા પરત આવ્યા ન હતા. જેથી આવેલા નંબર પર ફરીથી ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(9:15 am IST)