Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ધો.3થી 5ના વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવા માટે પા પા પગલી પ્રોજેક્ટ અમલમાં મુકાયો

5 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ અપાશે : જિલ્લા કક્ષાએ 39 અને ઘટક કક્ષાએ 426 ઇન્સ્ટ્રકટરની ભરતી આઉટસોર્સથી કરાશે

અમદાવાદ : રાજ્યની આંગણવાડીઓમાં હવે 3થી 5 વર્ષના બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે પા પા પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપવામાં આવનાર છે ત્યારે પાયો મજબૂત કરવા માટે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. 5 વર્ષ સુધીના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે આંગણવાડીના કાર્યકરોને તાલીમ આપવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાએ 39 અને ઘટક કક્ષાએ 426 ઈન્સ્ટ્રક્ટરની ભરતી આઉટસોર્સ મારફતે ભરવામાં આવશે.

શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રાજેક્ટ પા પા પગલી દ્વારા આંગણવાડીમાં આવતા 3થી 5 વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય તેવો મહત્વકાંક્ષી લક્ષ્ય સરકારે રાખ્યો છે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. આ માટે 3થી 5 વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્ણ પ્રાથમિક શિક્ષણ આપવાનું રહે છે. આમ, હવે બાળકોના શિક્ષણનો મહત્વનો પાયો રાજ્યની આંગણવાડીમાં જ તૈયાર થશે. 5 વર્ષ પછી બાળક આંગણવાડી છોડી અને શાળામાં બાલવાટીકામાં દાખલ થશે.

નવી શિક્ષણ નીતિ 2020 મુજબ 3થી 5 વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કાર્યકરને તાલીમબધ્ધ કરવામાં આવશે. આ માટે જીસીઈઆરટી દ્વારા આંગણવાડી કાર્યકર માટે તેઓની શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ અને તાલીમનું આયોજન કરવામાં આવશે. આ કોર્સ અને તાલીમ લીધા બાદ આંગણવાડી કાર્યકરને સતત શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત રાજ્યકક્ષાએ 1 PSE કન્સલટન્ટ, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 39 ડિસ્ટ્રીક્ટ PSE ઈન્સ્ટ્રક્ટર તથા ઘટક કક્ષાએ 426 બ્લોક PSE ઈન્સ્ટ્રક્ટર જગ્યાઓ માન્ય આઉટસોર્સ એજન્સી મારફતે ભરવાની રહેશે.

પ્રોજેક્ટના અમલીકરણ, મોનિટરીંગ, ક્ષમતાવર્ધન અને માર્ગદર્શન માટે કન્સલટન્ટ અને ઈન્સ્ટ્રક્ટર માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં યોજનાના પ્રચાર પ્રસાર માધ્યમ, ઓડિયો વિઝ્યુએલ, પ્રિન્ટેબલ તથા છાપકામની અન્ય કામગીરી યોજનાના યોગ્ય મોનિટરીંગ કરવા માટે પરચૂરણ ખર્ચ તથા વહીવટી ખર્ચ માટે ઘટક કક્ષાએ 426 એકમના રૂ. 10 હજાર પ્રમાણે રૂ. 42.60 લાખનું બજેટ નક્કી કરાયું છે. જ્યારે બાળકોના સર્વાંગી વિકાસ અને શાળા તત્પરતાનું આંકલન અને ડેવલપમેન્ટ એસેસમેન્ટ માટે જિલ્લા કક્ષાએ 39 એકમમાં રૂ. 2 લાખ પ્રમાણે રૂ. 78 લાખનું બજેટ નક્કી કરાયું છે.

પા પા પગલી પ્રોજેક્ટ માટે માનવબળ આઉટસોર્સિંગથી લેવામાં આવશે. જેમાં જિલ્લા અને મહાનગર કક્ષાએ 39 પૂર્વ પ્રાથમિક શિક્ષણના ઈન્સ્ટ્રક્ટર માટે પ્રતિ માસ માનવ વેતન રૂ. 20 હજાર નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ઘટક કક્ષાએ 426 પૂર્વ પ્રાથમિક શિક્ષણના ઈન્સ્ટ્રક્ટર માટે રૂ. 12 હજારનું માનદ વેતન નક્કી કરાયું છે

(11:14 pm IST)