Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સંભવિત ત્રીજી લહેર માટે સરકારે આરોગ્યની ડબલ વ્યવસ્થા ઊભી કરી : 92 હજાર સ્વાસ્થ્ય સેવકનું રજિસ્ટ્રેશન થયું, બે લાખએ પહોંચાડાશે

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય કાર્યકારીણી બેઠક યોજાઈ જિલ્લા કક્ષાએ પણ મંડળનો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવકનો કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય કાર્યકારીણી બેઠકમાં રાજય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે અગાઉથી તૈયારીઓ આરંભી દીધી હોવાની માહિતી આપવામાં આવી હતી. તો રાષ્ટ્રીય સહસંગઠનના મહામંત્રી શિવપ્રકાશે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં તે અંગે ડોકટરો જણાવશે પણ આપણે તે પહેલાં તૈયારીઓ આરંભી દઇએ અને કોરોના મહામારીથી લોકોને બચાવવા જાગરુકતા લાવવા પણ માહિતી આપી હતી.

ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ મહામંત્રી તતા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.10 સુધીમાં પ્રત્યેક રાજયમાં અભ્યાસ વર્ગ થાય તે રીતે સૂચન કર્યું હતું. જિલ્લા કક્ષાએ પણ મંડળનો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવકનો કાર્યક્રમ કરવામાં આવશે. 18 ઓગસ્ટ સુધીમાં જીલ્લા કક્ષાએ અભ્યાસ વર્ગ પૂર્ણ થાય તે રીતે આયોજન કરવા માહિતી આપી હતી. સાથે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે પણ પ્રાર્થના કરી હતી.

તેમણે મહત્વની વાત કરતાં કહ્યું કે, અત્યાર સુધીમાં 92 હજાર સ્વાસ્થ્ય સેવકનું રજિસ્ટ્રેશન થયું છે અને 2 લાખ જેટલાં સ્વાસ્થ્ય સ્વંય સેવકો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. શ્રધ્ધાબેન રાજપૂત, ડો. રૂત્વિજ પટેલ, ડો. તુષાર પટેલ, ડો. વિશાલ ભટ્ટ, ડો. ધર્મેન્દ્ર ગજ્જરે જિલ્લાના ઉપસ્થિત કાર્યકરોને લહેર આવે તો લક્ષણો શું હોઇ શકે અને કોરોના સંક્રમણ કેવી રીતે રોકી શકાય અને દવાઓ અને યોગ વિશે પણ માહિતી આપી હતી. તેની સાથે યોગ સેવક શિશપાલે પણ યોગ અંગે મહત્વની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, યોગથી પાવર મળે છે. શરીરના સોફ્ટવેર મજબૂત કરવા યોગ જરૂરી છે. ઘરે ઘરે યોગ પહોંચે તો કોઇ બિમાર પણ ના થાય તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવપ્રકાશ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીઓ પ્રદિપસીંહ વાઘેલા, ભાસ્કર ભટ્ટ, આઇ,ટી. સેલના સહ કન્વીનર મનનભાઇ દાણી તથા મહેશભાઇ મોદી ઉપરાંત પ્રદેશના પદાધિકારીઓ તથા જિલ્લાના કાર્યકરો હાજર રહ્યાં હતા.

બીજી લહેર સામે સંભવિત ત્રીજી લહેરની સુવિધામાં શું વધારો થયો

બીજી  લહેરમાં હોસ્પિટલના ઇન્ફાસ્ટ્રકચર માટે દૈનિક મહત્તમ કેસ 14,605 હતા. તેની સામે ત્રીજી લેહરના પ્લાનીંગમાં 25 હજાર સુધીની વ્યવસ્થા કરાઇ છે

બીજી લહેરમાં મહત્તમ એકટીવ કેસ એક લાખ અડતાલીસ હજાર હતા. જયારે ત્રીજી લહેરના પ્લાનીંગ માટે બે લાખ પચાસ હજાર સુધીની વ્યવસ્થા

બીજી લહેરમાં કોવિડ સુવિધા 1800ની સામે હવે 2400નું પ્લાનીંગ કરાયું

ઓક્સિજન બેડ 61 હજાર હતા. તેની સામે એક લાખ દસ હજાર કરાયાં

આઇસીયુ બેડ 15 હજાર હતા. તેની સામે હાલ 30 હજારની વ્યવસ્થા

સાત હજાર વેન્ટીલેટર સામે 15 હજારની વ્યવસ્થા ઊભી કરાઇ

બાળકો લક્ષી કોવિડ સંભાળમાં સરકારી બે હજાર બેડની વ્યવસ્થા વધારીને 4 હજાર કરાઇ

એક હજાર વેન્ટીલેટર ફક્ત બાળકો માટે ઉપલબ્ધ કરાયા

ઓક્સિજન પ્લાન્ટ 24 હતા. તેની સામે 400 સુધીની વ્યવસ્થા કરાઇ

ઓક્સિજનનો મહત્તમ વપરાશ 1150 એમટી હતો તે વધારીને 1800 એમટીની વ્યવસ્થા કરાઇ

પીએસયુ દ્વારા ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 400 એમટી કરવાની વ્યવસ્થા ઊભી કરાઇ

ઓકસિજન કોન્સનટ્રેટર 700 હતા. તે વધારીને 10 હજાર કરવામાં આવી

સ્પેશ્યાલીસ્ટ ડોકટરની વ્યવસ્થા 2350 હતી તે વધારીને 4 હજાર કરાઇ

એમબીબીએસ ડોકટરની સંખ્યા 5200માંથી વધારીને 10 હજાર કરાઇ

નર્સોની સંખ્યા 12 હજારથી વધારીને 22 હજાર કરાઇ

વર્ગ-4 સ્ટાફની સંખ્યા 8 હજારના સ્થાને 15 હજાર કરાઇ

 સહાયક સ્ટાફની સંક્યા 4 હજારના બદલે દસ હજાર કરવામાં આવી સંભવિત ત્રીજી લહેર માટે ભાજપ સરકારે આરોગ્યની ડબલ ગણી વ્યવસ્થા ઊભી કરી

(9:27 pm IST)