Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાની કવાયત: પ્રાયોગિક પરીક્ષાના ગુણ 17 જુલાઇ સુધી મોકલી આપવા સૂચના

તમામ આચાર્યોએ નિયત સમય મર્યાદામાં તમામ વિદ્યાર્થીઓના પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઈન ભરવાના રહેશે.

 

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ 17 જુલાઈ સુધી ઓનલાઈન મોકલી આપવા માટે શાળાઓને સૂચના જારી કરી છે. વિદ્યાર્થીઓના વિષય બાબતે જો કોઈ વિસંગતતા હોય તો બોર્ડની કચેરીનો સંપર્ક કરવા માટે શાળાઓને સૂચવવામાં આવ્યું છે. શાળાઓ દ્વારા 17 જુલાઈ સુધી પ્રાયોગિક પરીક્ષાના ગુણ મોકલાયા બાદ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહના પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઈટ પર 17 જુલાઈ સુધી ઓનલાઈન ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેથી તમામ આચાર્યોએ નિયત સમય મર્યાદામાં તમામ વિદ્યાર્થીઓના પ્રાયોગિક પરીક્ષાના ગુણ ઓનલાઈન ભરવાના રહેશે.

વિદ્યાર્થીઓના વિષય બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરી ખાતે આધાર-પુરાવા સાથે સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણ વિદ્યાર્થીઓના નામ તથા જુલાઈ-2021ની પરીક્ષા માટે ફાળવવામાં આવેલા બેઠક નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટેની તમામ સુચનાઓ શાળાને ઈન્ડેક્ષ નંબર અને મોબાઈલ નંબરથી લોગીન કર્યા બાદ ઓનલાઈન મળી જાય તેવી વ્યવસ્થા પણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આમ, 17 જુલાઈના રોજ ઓનલાઈન ગુણ મોકલવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી કરાશે.

(10:04 pm IST)