Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સીઓએએફટીમાં પ્રવેશ માટે છાત્રોનો ભારે ધસારો

૧૦-૧૨ના છાત્રોને ફાયરમેન તરીકે કારકિર્દી ઘડવા તક : સીઓએફટી ભારતની એક માત્ર એવી સંસ્થા છે કે જેમાં વિદ્યાર્થીને ગુજરાત યુનિ.ની બી એસસી.ની ડિગ્રી મળે છે

અમદાવાદ, તા.૧૨ : ભારતમાં ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પૂરુ પડતી જૂજ સંસ્થાઓ પૈકીની એક અને છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીઓએફટી)માં આઈટીઆઈ (ફાયરમેન)ના અભ્યાસક્રમમાં  પ્રવેશ ચાલુ છે. ધો. ૧૦ અને ધો. ૧૨ આર્ટસ/કોમર્સ પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવી ફાયર અને સેફટી ટેકનોલોજીનાં ક્ષેત્રમાં આકર્ષક કારકીર્દિ બનાવી શકે છે.

 કોવિડ-૧૯ મહામારીમાં ચાલુ વર્ષે ગુજરાત સરકારે ધો – ૧૦ અને ધો – ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જાહેર કરેલ હોવાથી આઈટીઆઈ (ફાયરમેન)માં ઉપલબ્ધ સીટોની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ વધારે છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલી સીઓએફટી ભારતની એક માત્ર એવી સંસ્થા છે કે જેમાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની બી એસસી. (ફાયર એન્ડ સેફ્ટી)ની ડિગ્રી પણ મળે છે. આ સંસ્થામાં ગુજરાતનાં કે ગુજરાત બહારનાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

 સીઓએફટીમાં ધો. ૧૦ અને ધો. ૧૨ આર્ટસ – કોમર્સ પાસ વિદ્યાર્થીઓ માટે જીસીવીટી (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત આઈટીઆઈ (ફાયરમેન)નો એક વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. સીઓએફટીનાં વિશાળ કોલેજ કેમ્પસમાં ફાયર અને સેફટીની અદ્યતન પ્રયોગશાળાઓ છે. ઉપરાંત નિયમિત ફાયર ડ્રીલ પ્રેક્ટીસ માટે સંપૂર્ણ અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ ડ્રીલ ગ્રાઉન્ડ પણ છે.

 વિવિધ નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટસ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, પોર્ટસ, ઓએનજીસી, ઓઈલ અને ગેસ ઉદ્યોગ, કેમિકલ કંપની, બાંધકામ ક્ષેત્ર, હોસ્પિટલ્સ, સિનેમા, મોલ્સ તેમજ દરેક નાના મોટા ઔદ્યોગિક એકમોમાં ફાયરમેન તરીકે નોકરી મેળવી ઉત્તમ કારકીર્દિની સોનેરી તક સીઓએફટીમાં ઉપલબ્ધ છે.

(8:42 pm IST)