Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

શેત્રુંજી નદીમાં બાઈક ઉપર સવાર પિતા-પુત્ર તણાઈ ગયા

રાજ્યભરમાં ભારે વરસાદથી ખુવારી : ઠાંસા ઘોબાપાસે પસાર થતી શેત્રુંજી નદીમાં પુલ પરથી વહી રહેલા પાણીમાં પિતા-પુત્ર તણાયા, પુત્રની લાશ મળી

ગારીયાધાર, તા.૧૨ : ગારીયાધાર તાલુકાના ઠાંસા ઘોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઇની લાશ મળી ગઇ છે જ્યારે પિતા લાધાભાઇની નદીમાં શોધખોળ શરૂ હતી.

  નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતુ ત્યારે બાઇક પર સવાર બન્ને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગારીયાધાર તાલુકાનાં પાંચ ટોબરા ગામનાં લાધાભાઇ લીંબાભાઇ ગોહિલ ( . આશરે ૫૨) તેમજ તેમનો પુત્ર રોહિતભાઇ લાધાભાઇ ગોહિલ બાઇક લઇને ભમોદ્ધા ગામે જતા હતા ત્યારે ઠાંસા ઘોબા ગામ પાસે પસાર થતી શેત્રુંજી નદીમાં પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીમાં બંને પિતા પુત્ર તણાયા હતા.જેમાં પુત્ર રોહિતની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. જયારે નદીના પાણીમાં તણાયેલા તેમનાં પિતા લાધાભાઇની શોધખોળ ચાલુ હતી. તેમનાં પુત્ર રોહિત પરીણિત હોય જેમાં તેમને ત્રણ દીકરી તેમજ  એક પુત્ર હોવાનુ તેમના પરિવારજનો દ્ધારા જણાવાયુ હતુ. બંને પિતા પુત્ર ઈંટો પાડવાની કામગીરી કરતાં હોવાનુ જાણવાં મળ્યુ હતુ. પુત્ર રોહિતની લાશને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ કરવાં ખસેડવામાં હતી. જ્યારે તેમનાં પિતાની શોધખોળ હાલમાં ચાલુ હતી.બંને પિતા પુત્ર નદીમાં તણાઇ જતા તેમનાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ.

(7:37 pm IST)