Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જાફરાબાદ, વેરાવળ અને કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું : રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી: ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે 40થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે.  બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના મતે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 30થી 40 કિમીના ઝડપે પવન સાથે વરસાદ વરસશે.  હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના ત્રણ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાને ધ્યાને રાખી મેરિટાઈમ બોર્ડે માછીમારોની સલામતી માટે બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી સાવચેત કર્યા છે. 

(7:01 pm IST)