Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરતના રિંગરોડ નજીક બે વેપારી પાસેથી 8.23 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન કરી વિશ્વાસઘાત આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: રીંગરોડની કોહીનુર માર્કેટના બે વેપારી પાસેથી રૂ. 8.23 લાખની સાડી ખરીદી નિયત સમયમાં પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરવા ઉપરાંત હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપનાર કલકત્તાના ઠગ દલાલ અને વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં વધુ એક ફરીયાદ નોંધાય છે.

રીંગરોડ માલીની વાડી-3 સ્થિત કોહીનુર માર્કેટમાં કાજલ સારીઝ નામે દુકાન ધરાવતા મહેન્દ્ર ટપુલાલ વર્મા (ઉ.વ. 45 રહે. બી 208, શ્યામ સૃષ્ટિ રેસીડન્સી, ગોડાદરા) નો ચારેક વર્ષ અગાઉ કલકત્તામાં રોહિત ટેક્સટાઇલ એજન્સી નામે કાપડ દલાલીનો વ્યવસાય કરતા સુનીલ ચાંદક (રહે. રૂમ નં. 435, મહાત્મ ગાંધી રોડ, કલકત્તા, પ. બંગાળ) સાથે પરિચય થયો હતો. સુનીલે સમયસર પેમેન્ટ અપાવવાનો વાયદો કરી કલક્તામાં લક્ષ્મી સારીઝ નામે દુકાન ધરાવતા અમરેન્દ્રસિંહ (રહે. જમુનાલાલ બજાર સ્ટ્રીટ, પંજાબી કટરા, કલકત્તા, પ. બંગાળ) સાથે મુલાકાત કરાવી હતી. સુનીલ અને અમરેન્દ્રસિંહના ઓર્ડરર મુજબ જાન્યુઆરી થી ઓક્ટોબર 2017 દરમિયાન મહેન્દ્ર કાજલ સારીઝ અને પોતાની બીજી ફર્મ પુજા પ્રિન્ટ્સમાંથી કુલ રૂ. 6.31 લાખની સાડી મોકલાવી હતી. આ ઉપરાંત અન્ય વેપારી નારાયણ અગ્રવાલ પાસેથી પણ રૂ. 2.41 લાખની સાડીઓ ખરીદી હતી. પરંતુ પેમેન્ટ સમયસર નહીં ચુકવી વાયદા કર્યા હતા અને ત્યાર બાદ તું વારે વારે ઉધરાણી કેમ કરે છે, હવે ઉઘરાણી કરવા આવશે તો હાથ-પગ તોડી નાંખીશું તેવી ધમકી આપી હતી. દરમિયાનમાં મહેન્દ્રને જાણવા મળ્યું હતું કે સુનીલ અને અમરેન્દ્રસિંહ વિરૂધ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય હતી. જેથી મહેન્દ્રે સુનીલ અને અમરેન્દ્રસિંહ વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. 

(6:31 pm IST)