Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જગતના નાથ નિકળ્યા નગરચર્યાએ : વિરમગામના રાજમાર્ગો પર નિકળી ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા

ભક્તોએ સોશિયલ મિડીયાના માધ્યમથી ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સામાન્ય સંજોગોમાં વિરમગામના ઐતિહાસ રામમહેલ મંદિરથી નિકળતી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળતા હોય છે. પરંતુ કોરાના મહામારીને કારણે રથયાત્રામાં કોવિડ પ્રોટોકોટનું પાલન કરવા જરૂરી હોવાથી મર્યાદીત ભક્તો સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. અષાઢી બીજે વિરમગામ શહેર સહિત  રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં  ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ હતી. વિરમગામ શહેરના 400  વર્ષથી પણ પૌરાણિક રામ મહેલ મંદિરથી  સોમવારે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નિકળ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જગતના નાથે નગરચર્યા પુર્ણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ ખાતે નિકળતી પરંપરાગત રથયાત્રામાં અખાડા, ભજન મંડળી, વાહનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે પરંતુ વર્તમાન કોરોના મહામારીના કારણે મર્યાદીત ભક્તો અને રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. ભક્તોએ સોશિયલ મિડીયાના માધ્યમથી ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વિરમગામના ઐતિહાસીક રામમહેલ મંદિરના મહંત રામકુમારદાસ બાપુએ જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરમાં નિકળતી રથયાત્રા સમય મર્યાદામાં પુર્ણ થઇ ગઇ હતી. રથયાત્રાને સફળ બનાવવા પોલીસ, વહીવટી તંત્ર, પત્રકારો, નગરજનો સહિત આસપાસના વિસ્તારના ભક્તોએ અમુલ્ય ફાળો આપ્યો હતો. ભક્તોએ પોતાના ઘરે જ રહીને પત્રકારો સોશિયલ મિડીયાના માધ્યમથી ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આગામી 40મી રથયાત્રા પહેલા આખુ વિશ્વ કોરોના મુક્ત થઇ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

(6:06 pm IST)