Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બેકાબુ મોંઘવારીમાં આંશીક રાહત : કઠોળના ભાવો ૩ થી ૫ રૂ. ઘટયા

પેટ્રોલ, ડીઝલ, ગેસના વધતા જતા ભાવો વચ્ચે લોકો માટે રાહતના સમાચારઃ કેન્દ્રના સ્ટોક મર્યાદાના નિયમ બાદ : ચણામાં કિલોએ ૩ રૂ., મગમાં ૫, અડદમાં ૩, ચણાદાળમાં ૪, મગની છડીદાળમાં ૫ અને તુવેરદાળમાં ૪ રૂ.નો ઘટાડોઃ સ્ટોક મર્યાદાના વિરોધ વચ્ચે કઠોળના ઘટતા ભાવો

રાજકોટ, તા. ૧૨ :. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા જતા ભાવો વચ્ચે દરેક ચીજવસ્તુઓમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે કેન્દ્ર સરકારના સ્ટોક મર્યાદાના નિયમ બાદ કઠોળના ભાવમાં કિલોએ ૩ થી ૫ રૂ.નો ઘટાડો થતા લોકોને બેકાબુ મોંઘવારીમાં આંશીક રાહત મળી છે.

મોંઘવારીની બુમરાળો વચ્ચે ગત સપ્તાહમાં કેન્દ્ર સરકારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો ન વધે તે માટે કઠોળમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો દેશભરના વેપારીઓમાં વિરોધ થઈ રહ્યો છે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ તમામ કઠોળમાં કિલોએ ૩ થી ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટોક મર્યાદાના નિયમ બાદ ચણામાં ૩ રૂ. ઘટયા છે. ચણા એક કિલોના ભાવ ૫૦ રૂ. હતા તે તૂટીને ૪૭ રૂ. થઈ ગયા છે. તેમજ મગ એક કિલોના ભાવ ૮૦ થી ૮૫ રૂ. હતા તે ૫ રૂ. ઘટીને ૭૫ થી ૮૦ રૂ. થઈ ગયા છે. જ્યારે અડદ એક કિલોના ભાવ ૮૫ થી ૮૮ રૂ. હતા તે ૩ રૂ. ઘટીને ૮૦ થી ૮૫ રૂ. થઈ ગયા છે. ચણાદાળ એક કિલોના ભાવ ૬૪ થી ૬૫ રૂ. હતા તે તૂટીને ૫૮ થી ૫૯ રૂ. થઈ ગયા છે.

મગની છડીદાળ એક કિલોના ૯૦ રૂ. હતા તે ૫ રૂ. ઘટીને ૮૫ રૂ. થઈ ગયા છે તથા તુવેરદાળ રેંટીયો એક કિલોના ભાવ ૧૧૬ થી ૧૧૮ રૂ. હતા તે ૪ રૂ. ઘટીને ૧૧૪ રૂ. થઈ ગયા છે. અન્ય કઠોળ ચોળી તથા વટાણાના ભાવો પણ તૂટયા છે.

કેન્દ્ર સરકારે કઠોળના ભાવો ન વધે તે માટે સ્ટોક મર્યાદા લાગુ કરી છે. વેપારીઓ આ કાયદાનો વિરોધ કરતા કહે છે કે, ખેડૂતોને અપાતી એમ.એસ.પી. કિંમત કરતા પણ કઠોળના ભાવો નીચા છે, ત્યારે સ્ટોક મર્યાદાનો નિયમ શા માટે ? કોઈપણ ચીજવસ્તુઓના ભાવો વધારે હોય કે કાળાબજાર થતા હોય તો સ્ટોક મર્યાદાનો નિયમ બરાબર છે પણ હાલમાં આવી કોઈ સ્થિતિ જ નથી માત્ર વેપારીઓને બાનમાં લેવા માટે જ સ્ટોક મર્યાદાનો કાયદો લાગુ કરાયો છે.

જો કે કેન્દ્ર સરકારના સ્ટોક મર્યાદાના નિયમ અને વેપારીઓના વિરોધ વચ્ચે હાલ તો કઠોળના ભાવો ઘટતા મોંઘવારીના માર વચ્ચે લોકોને આંશીક રાહત થઈ છે.

(3:24 pm IST)