Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દમણમાં વિકેન્ડ કરફ્યૂની ઐસી કી તૈસી : બીચ પર પ્રવાસીઓનું માનવ મહેરામણ

પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બીચ પર પહોંચ્યા

દમણ પ્રશાસન દ્વારા બાગ, બગીચા, બાર તેમજ રેસ્ટોરન્ટ્સ માટે કોરોના ગાઈડલાઈનમાં છૂટછાટ આપતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણમાં આનંદની પળો માણવા આવ્યા છે. જોકે, દમણ પ્રશાસન દ્વારા શનિ-રવિવારે બીચ પર પ્રવાસીઓને ફરવા પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બીચ પર પહોંચી દરિયાના સાનિધ્યમાં મોજ કરતા જોવા મળ્યા હતાં.

દમણ પ્રશાસને શનિવાર, રવિવારે બીચ પર પ્રવાસીઓને જવાની મનાઈ ફરમાવી છે પરંતુ પ્રવાસીઓએ પ્રશાસનના આ જાહેરનામાને ગણકાર્યા વિના જ દેવકા બીચ પર રવિવારની મોજ માણી હતી.

  પ્રવાસીઓનું કહેવું હતું કે, કોરોના દરમ્યાન ઘરમાં જ પૂરાયેલા રહ્યા હતાં અને હવે 4 મહિને બહાર નીકળ્યા છીએ. ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, મોરબી, રાજકોટ જેવા શહેરો સહિત કેટલાક પ્રવાસીઓ છેક મહારાષ્ટ્રથી દમણ ફરવા આવી પહોંચ્યા હતા. શનિ-રવિવારે આવી પહોંચેલા પ્રવાસીઓએ દરિયાના ઉછળતા મોજાઓ સાથે સૂર્યાસ્તનો આહ્લાદક નજારો પણ માણ્યો હતો.

(10:19 am IST)