Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે પૂર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન

નરોત્તમકાકા ૮૬મા વર્ષે પણ 'યંગમેન' :એન્જિનિયરની ઉજ્જવળ કારકિર્દી છોડી દેશ અને સમાજસેવા માટે પોતાની જાતને સમર્પિત કરી :નરોત્તમભાઈ એન્જિનિયર, કોન્ટ્રાકટર, શિક્ષક અને રાજકારણી એમ બહુમુખી પ્રતિભાના ધની: નરોત્તમભાઈ સત્તા માટે નહીં, પણ જનસેવા માટે સંઘર્ષમય જીવન જીવી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : બાળપણમાં આપણે દાદાજીની વાતો સાંભળતા એ જ રીતે આ પુસ્તકમાં 'નરોત્તમકાકા'ની વાતો છે:નરોત્તમભાઈ પટેલ

સુરત: દાયકાઓ સુધી જાહેરજીવનમાં પ્રભાવી પ્રદાન કરનાર 'નરોત્તમકાકા'ના હુલામણા નામથી જાણીતા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે કરાયું હતું. નરોત્તમભાઈના ૮૬મા જન્મદિને વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત મુખ્ય વિમોચન સમારોહ સહિત રાજ્યના આઠ વિવિધ સ્થાનો પર વિકેન્દ્રિત પુસ્તક વિમોચન સમારોહ યોજી તમામ કાર્યક્રમોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા જોડવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વ્યક્તિ જીવન જીવવાનો આનંદ માણતો હોય છે. અમુક નિવૃત્ત વડીલો રોદણાં રડતાં હોય છે અને જીવનની અનેકવિધ ફરિયાદોથી બળાપો વ્યકત કરતાં હોય છે, ત્યારે ૧૮ વર્ષના યુવાનને પણ શરમાવે તેવી ઊર્જા અને સ્ફૂર્તિ ધરાવતાં 'નરોત્તમકાકા'એ જીવનના આઠમાં દાયકામાં પુસ્તક લખીને સમાજને પ્રેરણાદાયી ભાથું આપવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
  મુખ્યમંત્રીએ નરોત્તમભાઈને 'ઉત્તમથી નરોત્તમ'ની ઉપમા આપતાં કહ્યું કે, ઉચ્ચ ગુણો, સુઝબુઝ અને કર્મઠતાથી 'નરોત્તમ' નામ તેમણે સાર્થક કર્યું છે. 'નરોત્તમકાકા' એન્જિનિયર, કોન્ટ્રાકટર, શિક્ષક અને રાજકારણી એમ બહુમુખી પ્રતિભાના ધની છે. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં એન્જિનિયર તરીકેની સારા વેતનમાનવાળી અને મોભાદાર કારકિર્દીનો ત્યાગ કરી દેશ અને સમાજસેવા માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. સત્તા માટે નહીં, પણ જનસેવા માટે સંઘર્ષમય જીવન જીવી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં છે. જીવનના ૮૬માં વર્ષે પુસ્તક લખવું એ તેમની ઊર્જા દર્શાવે છે. પુસ્તકમાં વ્યક્ત થયેલાં વિચારો તેમના અનેક દાયકાઓના જાહેરજીવનનું પ્રેરણામૃત્ત છે.  
   મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે ઉચ્ચકક્ષાની કામગીરી કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. નરોત્તમકાકા ૮૬મા વર્ષે પણ યંગમેન છે. તેમણે પુસ્તકમાં પીરસેલા અનુભવો અનેક ઉગતા યુવાનો, રાજકારણીઓ, સમાજસેવકો અને જાહેરજીવનમાં રહેલાં લોકો માટે દીવાદાંડીરૂપ બનશે એમ જણાવી તેમના દીર્ઘાયુની શુભેચ્છા પાઠવી હતી.        
   નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું કે, મોકળા મને કામ કરવા માટે પરિવારનો સહકાર જરૂરી છે. નરોત્તમભાઈ પટેલને તેમના પરિવાર પુરતો સહકાર મળ્યો, જેનો તેમણે સમાજસેવા-લોકસેવા માટે ભરપૂર ઉપયોગ કર્યો. કેબિનેટ મંત્રી તરીકેના કાર્યકાળમાં નરોત્તમભાઈ પટેલે પ્રજાહિતના નિર્ણયો લઇ ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સુજલામ સુફલામ યોજના, જળસંચય યોજના, નર્મદા યોજનાના પાઈપલાઈન માળખાની ગોઠવણી, સૌની યોજના, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરીમાં નરોત્તમભાઈ પટેલે પાયારૂપ ભૂમિકા નિભાવી છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ નરોત્તમકાકા મિત્ર, માર્ગદર્શક અને ગુરૂ તરીકે હરહંમેશ મારૂ જીવન ઘડતર કરતાં રહ્યાં છે એમ ઉમેર્યું હતું.
 નરોત્તમભાઈએ પુસ્તક વિમોચનનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ઈજનેરી ક્ષેત્રના વ્યક્તિ એવો હું પુસ્તક લખું એ આશ્ચર્ય સર્જે, પરંતુ કોરોનાકાળમાં મારા વિચારોને કાગળ પર ટપકાવવાનું શરૂ કર્યું અને આ વિચારો, મેં જોયેલી અને અનુભવેલી વાતો, ઘટનાઓને પુસ્તકરૂપે આકાર આપવાનો વિચાર સ્ફૂર્યો. મારા જાહેર અને રાજનીતિક જીવનની સિદ્ધીઓ, ભૂલો, પરિશ્રમ અને સંઘર્ષોને નિખાલસપણે અને હિંમતભેર આ પુસ્તકમાં લખવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે.
  તેમણે વધુમાં કહ્યું કે, જે રીતે આપણે બાળપણમાં દાદાજીની વાતો સાંભળીને પ્રેરણા લેતાં, એ જ રીતે આ પુસ્તકમાં 'નરોત્તમકાકા'ની વાતો છે. પોતાના જીવનનો સાર 'અંતરના ઝરુખેથી' પુસ્તક દ્વારા આપ્યો છે એમ જણાવી તેમણે પુસ્તકની પ્રસિદ્ધિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરી ઋણસ્વીકાર કર્યો હતો.  
  સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, 'નરોત્તમકાકા'નું સંગઠન અને પ્રજાકીય વહીવટમાં આગવું પ્રદાન છે. પોતાની આવડતથી ઉમદા નિર્ણયો લઈને પાણીદાર મંત્રીનું બહુમાન મેળવ્યું હતું. કોર્પોરેશનની ચૂંટણીથી રાજકીય સફર શરૂ કરી કેબિનેટ મંત્રી સુધી પહોંચેલા નરોત્તમભાઈનું રાજ્યના વિકાસમાં પાયાનું યોગદાન રહ્યું છે એમ જણાવી 'કાકા' શતાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે એવી શુભકામના તેમણે વ્યકત કરી હતી.    
 પ્રારંભે પુસ્તકના સંપાદક હેમેનભાઈ ભટ્ટએ પુસ્તક લેખન અને સંપાદન અંગેની રૂપરેખા આપી હતી.
   આ પ્રસંગે વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી, પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, વીર નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કે. એન. ચાવડા,અગ્રણી સંદિપભાઈ દેસાઈ, નિરંજનભાઈ ઝાંઝમેરા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત સર્વે ધારાસભ્યઓ, શુભેચ્છકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા

(8:24 pm IST)