Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદની કે. કા. શાસ્ત્રી કોલેજનું ખાનગીકરણના વિરોધમાં 72 કલાકના ઉપવાસ કરાશે : વાલી અધિકાર ગ્રુપની જાહેરાત

ખાનગીકરણનો નિર્ણય પૂર્વ વિસ્તારમાં રહેતાં ગરીબ, મધ્યમવર્ગ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અન્યાય કર્તા

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કે.કા. શાસ્ત્રી સરકારી કોલેજ કેમ્પસનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં 72 કલાકના ઉપવાસ કરવામાં આવશે તેમ વાલી અધિકાર ગ્રુપે જાહેરાત કરી છે.

વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જયોર્જ ડાયસ, યશ ચૈધરી, રાહુલ ભીલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, રાજયના શિક્ષણ વિભાગે શહેરના પૂર્વ વિસ્તારમાં કે.કા. શાસ્ત્રી સરકારી કોલેજ કેમ્પસનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર પૂર્વ વિસ્તારમાં રહેતાં ગરીબ, મધ્યમવર્ગ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અન્યાય કર્તા અને તેમના ઉપર આર્થિક ભારણ વધારવા સમાન છે. પૂર્વ વિસ્તારમાં કે. કા. શાસ્ત્રીના નામે શરૂ કરાયેલી સરકારી કોલેજ આજે જયારે શૈક્ષણિક કેમ્પસ બની ગયું છે. ત્યારે હજારો ગરીબ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યાં છે તેવા સમયે બેંકોના ખાનગીકરણની જેમ સરકારી કોલેજોનું પણ ખાનગીકરણ કોઇ કાળે સહન કરી શકાય તેમ નથી.

તેઓએ વધુમાં સરકારના આ પગલાંની સામે વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ તથા પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર જયોર્જ ડાયસ દ્વારા તા.14મી જુલાઇથી 72 કલાકના ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આજે કોરોના મહામારીના કારણે ખાનગી શાળાઓને ગ્રાન્ટેડ શાળાઓમાં ફેરવવામાં આવી રહી છે ત્યારે કે.કા. શાસ્ત્રી સરકારી કોલેજને ખાનગીકરણ કરી ખાનગી સંચાલકોને કમાવી આપવાનું એક હથિયાર આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ સરકારી રાહત ફીમાં ભણે છે અથવા ભણવા આવશે તેમનો ખાનગીકરણ બાદ ઊંચી અને તગડી ફી ભરવી પડશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર કોરોના કાળમાં હજારો ગરીબ પરિવારોને પારાવાર આર્થિક રીતે સહન કરવું પડયું છે. હજુ પણ કોરોના જતો રહ્યો તેવું નથી. સરકારે કે.કા. શાસ્ત્રીજીના નામ માટે પણ તેનું ખાનગીકરણ કરવું જોઇએ નહીં. કે. કા. શાસ્ત્રીજી ગરીબોના હામી હતી અને તેઓ જે સંગઠન સાથે કે. કા. શાસ્ત્રીજીના નામે જે કોલેજ કે કેમ્પસ બનાવવામાં આવ્યું છે તેનું ખાનગીકરણ એટલે વિધ્વાન એવા સ્વ. કે.કા. શાસ્ત્રીજીનું અને તેઓ જે સંગઠન સાથે જોડાયેલા હતા એવા વી.એચ.પી. અને સંઘનું અપમાન કરવા જેવું છે. સરકાર જો આ નિર્ણય રદ નહીં કરે તો સ્થાનિક વાલીઓ, વિદ્યાર્થીઓ તેની સામે જન આંદોલન શરૂ કરશે અને 72 કલાકમાં ઉપવાસમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ જોડાશે.

(11:16 pm IST)