Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુદર્શન ચક્રએ દ્રારિકાનું રક્ષણ કર્યું હતુ તેમ રસીચક્ર આપણું રક્ષણ કરશે :લોકોને રસી લેવા અમિતભાઇ શાહનો અનુરોધ

રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ કરાવવા, ગરીબના ઘર સુધી મફત અનાજ પહોંચાડવા અને રાજ્યમાં મહત્તમ વૃક્ષારોપણ કરવા સરકાર કટિબધ્ધ

અમદાવાદ : રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ કરાવવા, ગરીબના ઘર સુધી મફત અનાજ પહોંચાડવા અને રાજ્યમાં મહત્તમ વૃક્ષારોપણ કરવા સરકાર કટિબધ્ધ હોવાનું ગૃહમંત્રી અમીત ભાઈ શાહે જણાવ્યું છે.

ગાંધીનગર મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઇ તાલુકાના 1239 વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને નવીન કામોની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહે આ વિકાસ કાર્યો અમદાવાદ જિલ્લાના નાગરિકોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પ્રગટ કર્યો હતો. મારા મતવિસ્તાર સહિત સમગ્ર રાજ્ય-દેશનો વિકાસ એ મારી પ્રાથમિકતા છે. સ્થાનિક પ્રશ્નો સહિત રાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ મારી હરહંમેશ પ્રાથમિકતા રહેલી છે તેમ લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહે સાણંદમાં યોજાયેલ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને નવા કાર્યોની જાહેરાત પ્રસંગે કહ્યું હતુ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતુ કે, પ્રતિ મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાકે છે. અમદાવાદ જિલ્લામાં 45થી વધુ વય અને કોમોર્બિડ સ્થિતિ ધરાવતા ૮૬ ટકા લોકોને રસી અપાઇ ચૂકી છે. તેઓએ પ્રત્યેક નાગરિક રસી લે તે અંગેનો અનુરોધ કરતા કહ્યું કે, જેમ સુદર્શન ચક્રએ દ્રારિકાનું રક્ષણ કર્યું હતુ તેવી જ રીતે રસીચક્ર આપણું રક્ષણ કરશે

તેમણે 23 મી જૂલાઇએ શરૂ થનારી ટોકિયો ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી 6 ગુજરાતી દિકરીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તમામ દિકરીઓ ઓલમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ માટે સૂવર્ણ પદક જીતે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

તેઓએ વિશેષમાં દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ “ખેલ મહાકુંભ” અભિયાનનો શુભારંભ કર્યો હતો ત્યારે કેટલાય લોકોએ તેની ટીકા કરી હતી.પરંતુ આજે આ અભિયાનની સફળતાના પરિણામ મળતા થયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ “હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા” અભિયાન અંતર્ગત 15 લાખ વૃક્ષોના વાવેતર કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું હોવાનું જણાવી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાણંદ તાલુકો પણ તેમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. તેમણે આ અભિયાન ભાવિ પેઢી માટેનું અભિયાન હોવાનું જણાવી સ્થાનિક ધારાસભ્યને જી.આઇ.ડી.સી.સાથેના સંકલનમાં રહીને વૃક્ષારોપણને વધુ વ્યાપક બનાવવા તાકીદ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહે વર્તમાન સમયમાં બદલાયેલી કાર્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અગાઉ તંત્ર લોકો પર પ્રભાવિ હતું, પરંતુ આજે લોકો તંત્ર પર પ્રભાવિ બન્યા છે. તેમણે આ તબક્કે સાસંદ તરીકેની તેમની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, જનપ્રતિનિધિ જનતા અને સરકાર વચ્ચેની જોડતી કડી છે. જેમનું કામ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનું અને પ્રજાની વેદના સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે.

(11:13 pm IST)