Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદ મનપાની નવી પાર્કિંગ પોલિસી: રાત્રે રોડ પર થતાં પાર્કિંગ માટે 1500 સુધીનો ચાર્જ વસૂલવાની શક્યતા

મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગના માસિક નાણાં ચૂકવવા પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાત્રિ દરમિયાન જાહેર રસ્તાઓ પર પાર્ક થતા વાહનો પાસેથી પણ પાર્કિંગ ચાર્જ વસૂલવાની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદની મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગના માસિક નાણાં ચૂકવવા પડશે.

એએમસી દ્વારા જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો પાસેથી પણ હવે પાર્કિંગ ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. શહેરમાં રાત્રિ દરમ્યાન જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો માટે પાર્કિગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આવા વાહનો પાસેથી જે તે વિસ્તારની જંત્રી પ્રમાણે અથવા તો અન્ય રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલાક કિસ્સામાં વધુ રકમ વસુલવામાં આવે તેવી પણ શક્યતા છે. પાર્કિંગ ચાર્જમાં ખાસ કરીને રાત્રિ દરમ્યાન અને દિવસે પણ પાર્કિંગની જગ્યા બાબતે ચાર્જમાં કેટલોક ફરક હોવાની શક્યતા છે. આ ઉપરાંત કોમર્શિયલ રસ્તા પર દિવસનો પાર્કિંગ ચાર્જ લગભગ આ રકમ કરતાં 10 ગણો વધારે રાખવામાં આવે તેવી પણ શક્યતા છે.

મોટાભાગની જૂની સોસાયટીઓના ફોર વ્હીલર જાહેર રસ્તા પર પાર્ક થઇ રહ્યા છે. ખાસ કરીને અગાઉ શહેરની મોટી સોસાયટીઓમાં પણ ટુ વ્હીલર પાર્કિંગને ધ્યાને લઇને જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવતી હતી. જોકે છેલ્લા 10 વર્ષમાં ફોર વ્હીલરની સંખ્યા સતત ‌વધી રહી છે. તેથી શહેરમાં આ જૂના ફ્લેટમાં પાર્કિંગની સમસ્યા સર્જાઇ છે.

(9:28 pm IST)