Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુરતમાં હૈયું હચમાવતો કોરોના : 11 દિવસના માસુમ બાળકને કોરોનાનો ચેપ :જીવ બચાવવા રેમડેસીવીર ઇન્જેક્શન અપાયું

માતાને શરદી ખાંસી જેવા લક્ષણોને કારણે ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો : ફરીવાર ટેસ્ટ કરતા પોઝીટીવ : બાળકનો એક્સરે કરાવતા તબીબો આશ્ચર્યમાં મુકાયા : બાળકની સારવાર શરૂ

સુરત : દેશમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક બની રહી છે સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં હવે નાના બાળકો પર કોરોનાં પોઝિટિવ આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયું છે. આ બાળકનો જીવ બચાવવા માટે તેને રેમેડીસીવર ઇન્જેક્શન આપવાની જરૂર પડી હતી.

 માહિતી અનુસાર સુરતની ડાયમંડ હોસ્પિટલમાં પહેલી એપ્રિલના રોજ એક બાળકનો જન્મ થયો હતો. જન્મના થોડા દિવસ બાદ બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા ગઈ હતી. જેથી તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું જણાય આવતા આશ્ચર્યમાં મુકાયા હતા. મહત્વનું છે કે માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ તે નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

જોકે માતાએ ડોક્ટરને પોતે શરદી ખાંસીને કારણે તકલીફમાં છે એ અંગેની કોઈ માહિતી આપી ન હોવાથી ડોક્ટર અજ્ઞાનતામાં રહ્યા હતા. સુરત ડાયમંડ હોસ્પિટલમાં નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરી છે.બાળકના પરિવારને આર્થિક ભરણ અને હેરાનગતિ ન ભોગવવી પડે માટે  નિર્ણય લીધો છે.

(11:34 pm IST)