Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગુજરાત બાર કાઉન્સિલે છેલ્લાં ચાર મહિનામાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને 2.75 કરોડ રૂપિયા ચુકવ્યા

90 હજારમાંથી માત્ર 20 હજાર ધારાશાસ્ત્રીઓએ જ વેલ્ફેર રિન્યુઅલ ફી ભરી

અમદાવાદ :ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં ચાર મહિનામાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને 2.75 કરોડ રૂપિયા ચુકવ્યા છે. બીજી તરફ રિન્યુઅલ ફી નહીં ભરનારા ધારાશાસ્ત્રીઓને વહેલીતકે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવા જણાવ્યું છે. નહીં તો ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની યોજના પર દુરોગામી અસર થશે તેમ જણાવ્યું છે.

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઇ એસ. પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત તથા શિસ્ત કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાંએ જણાવ્યું છે કે, ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ 1991 હેઠળ જે ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડના સભ્ય બન્યા હોય અને વેલ્ફેર ફંડ એક્ટ અનુસાર નિયમિત રીન્યુઅલ ફી ભરેલી હોય તેવા ધારાશાસ્ત્રીઓના મુત્યુ બાદ તેમના વારસદારોને રૂપિયા સાડા ત્રણ લાખ ચુકવવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતના આશરે 90 હજાર ઉપરાંતાના ધારાશાસ્ત્રીઓ પૈકી વર્તમાન સમયમાં વેલ્ફેર ફંડના આશરે 40,000 જેટલાં ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડનું સભ્યપદ ધરાવે છે. છેલ્લાં બે વર્ષમાં આશરે 600 ધારાશાસ્ત્રીઓના મુત્યુ નિપજયાં છે. મતલબ કે વર્ષે દહાડે 300 ઉપરાંત ધારાશાસ્ત્રીઓનું મુત્યુ થાય છે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા વેલ્ફેર ફંડની ટિકીટ વેચાણ તેમજ વેલ્ફેર રિન્યુઅલ ફીમાંથી ધારાશાસ્ત્રીઓને ચુકવવાનું ભંડોળ એકત્ર કરવામાં આવે છે. આ માટે હાલમાં વાર્ષિક રૂપિયા 1500 રિન્યુઅલ ફી પાંચ વર્ષના ગાળા માટે નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી માત્ર 20 હજાર જેટલાં ધારાશાસ્ત્રીઓ નિયમિત રીન્યુઅલ ફી ભરી રહ્યાં છે. જેના કારણે ગુજરાત બાર કાઉન્સીલમાંથી મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ગુજરી જાય તેવા સમયે મુત્યુ સહાય ચુકવવામાં ખૂબ જ અગવડતા પડતી હોય છે. હાલમાં સને 2020-21ના સમયગાળામાં માત્ર 18 હજાર ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી છે. જયારે જાન્યુઆરી 2021થી 4થી એપ્રિલ સુધીમાં ગુજરાતના 110 જેટલાં ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય ચુકુવવામાં આવી છે.

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા હજુ પણ જે ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી હાલના સમયની તેમ જ અગાઉના બે વર્ષની ભરેલી ન હોય તેઓ તાકીદે ભરી દેવા જણાવ્યું છે. તેની સાથોસાથ જણાવ્યું છે કે આવા વેલ્ફેર ફંડના સભ્ય દ્વારા આ રકમ ભરવામાં નહીં આવે તો તેવા ધારાશાસ્ત્રીઓના વારસદારો હક્કથી વંચિત રહી જશે અને અનિયમિત વેલ્ફેર ફંડના સભ્યપદ ધારણ કર્યા હોય છતાં પણ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી નહીં ભરનારા ધારાશાસ્ત્રીઓના કારણે ગુજરાત બાર કાઉન્સિલની વેલ્ફેર ફંડની યોજના પર દુરોગામી અસર પડી શકે છે.

(10:30 pm IST)