Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વિદ્યાર્થીને યોગ યુનિ.ના શિક્ષકે સળિયાથી માર્યો

વિદ્યાર્થી વાતચીત કરી રહ્યા હતા

અમદાવાદ,તા. ૧૨ : યોગ યુનિવર્સિટીના શિક્ષક દ્વારા ૧૯ વર્ષીય એક વિદ્યાર્થીને લોખંડના સળિયા વડે માર મારવાની ઘટનાએ આજે શિક્ષણજગતમાં ભારે ચકચાર જગાવી હતી. શિક્ષકના મારનો ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ ઘટનાની ગંભીરતા લઇ સોલા પોલીસ સ્ટેશને પહોંચી યોગ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. બીજીબાજુ, યોગ શિક્ષક દ્વારા જ વિદ્યાર્થીને  લોખંડના સળિયાના માર મરાવાના કારણે તેના હાથ અને બાવડાના ભાગે રીતસરના સોળ ઉપસી આવ્યા હતા. આ સમગ્ર મામલામાં સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સ્થિત યોગ યુનિવર્સિટીના શિક્ષક દયાનંદ શર્મા પર આજે એક વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગતાં શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યોગમાં એમએસસી કરતા અર્પિત મૌલેશ રાવલ (ઉ.વ.૧૯) નામના વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી સાથે વાતચીત કરવા બદલ ઉશ્કેરાયેલા શિક્ષક દયાનંદ શર્માએ લોખંડના સળિયા વડે ફટકાર્યો હતો. જેના કારણે વિદ્યાર્થી અર્પિત રાવલને બંને હાથના બાવડે રીતસરના સોળ ઉપસી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને થતાં તેઓ ખૂબ રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીને લઇ સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વિદ્યાર્થીના પરિવારજનો તરફથી યોગશિક્ષક દયાનંદ શર્મા વિરૂધ્ધ લોખંડના સળિયાથી તેમના સંતાનને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(9:03 pm IST)