Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અમદાવાદ-વડોદરા હાઇ-વે ઉપર સંતરા ભરેલ ટ્રક પલ્ટી જતા સંતરા લેવા લોકોની પડાપડીઃ વાહન વ્યવહારને ભારે અસર

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા હાઇ-વે ઉપર સંતરા ભરેલ ટ્રક પલ્ટી જતા સંતરા લેવા લોકોઅે પડાડી કરી હતી અને વાહન વ્યવહારને ભારે અસર થઇ હતી.

અમદાવાદ થી બરોડા તરફ જતી એક ટ્રક આજે સવારના સમયે ચકલાસી પાસે પલ્ટી ગઇ હતી. ટ્રક નં. પીબી-૦૯, એક્સ-૦૩૮૭ નો ચાલક અમદાવાદથી સંતરા ભરીને બરોડા તરફ જઇ રહ્યો હતો. તે સમયે ચકલાસી ઓવરબ્રિજ પાસે અચાનક તેનું બેલેન્સ જતુ રહેતા ટ્રક પલ્ટી ગયો હતો. રસ્તાની વચ્ચે ટ્રક પલ્ટી જતા ટ્રકમાં ભરેલા સંતરા રસ્તા પર વેર વિખેરાઈ ગયા હતા. આ ટ્રકમાં એટલી મોટી માત્રામાં સંતરા ભરેલા હતા કે એક્સપ્રેસ હાઇવે પર એક સમયે જ્યા જુઓ ત્યા સંતરા જ સંતરા નજરે પડતા હતા. જેના કારણે પાછળથી આવતા વાહનોને ફરજીયાત ઉભા રહી જવાની ફરજ પડી હતી. પરિણામે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પાછળથી આવતા વાહન ચાલકો હોય કે પછી આસપાસના લોકો જેણે પણ રસ્તા પર આટલી મોટી સંખ્યામાં સંતરા જોયા તે લોકએ મફતમાં સંતરાની જીયાફત માણવાનો મોકો છોડ્યો ન હતો.

રસ્તા પર મોટી માત્રામાં સંતરા ઠલવાઇ જતા એક્સપ્રેસ વે ઓથોરીટીના માણસો દ્વારા જેસીબી મશીન બોલાવી સંતરાને રોડની સાઇડમાં એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં જેસીબીની મદદથી પલ્ટી ગયેલી ટ્રકને સીધી કરવામાં આવી હતી. ટ્રક પલ્ટી જતા તેના ચાલકને સામાન્ય ઇજાઓ થઇ હતી. જોકે આ ઘટના બાદ ચાલક ફરાર થઇ ગયો હોવાનું ચકલાસી પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.

(7:22 pm IST)