Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ મારફતે અપાતા મેમોથી મુક્તિ

રાજ્ય સરકારનો જનહિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણયઃ સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી ઇ-મેમાથી મુક્તિ વિધાનસભાનું એક દિવસ માટેનું સત્ર ૨૩મીએ મળશે

અમદાવાદ,તા.૧૨, ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઈ-ચલન મારફત ઈ-મેમો આપવામાંથી મુક્તિ આપવાનો જનહિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના મહાનગરોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સીેસઆઈટીએમએસ સ્માર્ટ સીટી અને પીપીપી ધોરણે સીસીટીવીના પ્રોજેક્ટો અમલમાં મુક્યા છે. તાજેતરમાં આ શૃંખલામાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પણ આગામી ૪ માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ મહાનગરો-શહેરોમાં સર્વેલન્સ, સ્વચ્છતા, અને ટ્રાફિક નિયમન ઝડપથી થાય તે માટે અદ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા આધુનિક વિજાણુ સાધનો દ્વારા જનસુખાકારી અને જન સલામતિમાં વધારો થાય તેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે. સીસીટીવીના ફુટેજના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટીક-મેન્યુઅલ ઈ-ચલન જનરેટ કરીને ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકના ઘરે તેમના સરનામે મેમો મોકલી આપવામાં આવે છે. પરંતુ આ કેટલીક ટેકિનકલ ક્ષતિના કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઈ-મેમો નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. એવી રજુઆત મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં વસતા નાગરિકોના હિતને ધ્યાને લઈ જ્યાં સુધી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આ પ્રોજેકટ દ્વારા ઈ-ચલન નાગરિકોને મોકલવાના રહેશે નહીં જેથી નાગરિકોને પડતી અસુવિધાઓ દુર થશે. ૨૩મી જાન્યુઆરીના રોજ પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરાશે. પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરતા કહ્યું હતું કે, ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે.

(9:28 pm IST)