Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઇડરમાં પશુચોરોનો આતંક: રાત્રીના સુમારે વસાઈમાંથી 1.60 લાખની કિંમતની ત્રણ ભેંસો ચોરી ઈસમો છૂમંતર.....

ઈડર:શહેરના વસાઈ ગામની સીમમાં ગત રાત્રિના સુમારે ત્રાટકેલા પશુચોર એક પશુપાલકના તબેલા પરથી રૃપિયા ૧,૬૦ લાખની ત્રણ ભેંસોની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પંથકના પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે આ અંગે અજાણ્યા પશુચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી, સીસી ટીવી ફૂટેજ આધારે પશુ-ચોરને ઝડપી પાડવા કવાયત આરંભી છે.

 


ઈડરના વસાઈ ગામની સીમમાંથી અગાઉ થયેલ ત્રણ જેટલી પશુચોરીના ભેદ તો હજુ ઉકેલાયા નથી ત્યાં જ ગત રાત્રે ફરીવાર વસાઈ ગામની સીમમાંથી પશુચોરીની બુમ ઉઠતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, સાથે જ પોલીસની કામગીરી સામે પણ રોષ ઉભો થયો છે. ગત રાત્રે વસાઈથી ઝુમસર તરફ જતા માર્ગ પર આવેલા જીતાભાઈ હરિભાઈ પટેલ નામના પશુપાલકના તબેલા પર ત્રાટકેલો પશુચોર તબેલામાં બાંધેલી ત્રણ ભેંસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ ત્રણે ભેંસોને પીકઅપડાલા જેવા વાહનમાં ભરીને લઈ જવાઈ હતી. જે પીકઅપડાલાના સીસી ટીવી ફૂટેજ નજીકના સુનસર ગામેથી મળી આવ્યા છે.

પશુચોરીની આ ઘટના અંગેની જાણ આજે વહેલી સવારે દૂધ દોહવા ગયેલા પશુપાલકના પત્ની હિરાબેનને થઈ હતી. ત્યારબાદ તેઓ થકી ઘટનાની જાણકારી ગ્રામજનોને થતાં લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતાં. દરમિયાન પોલીસને જાણ કરાતાં, પોલીસે ઘટના સ્થળની મુલાકાત બાદ રૃપિયા ૧,૬૦,૦૦૦ની કિંમતની ત્રણ ભેંસો ચોરાયાની ફરિયાદ નોંધી પશુચોરને ઝડપી પાડવા કવાયત આરંભી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જ પોલીસને મહત્ત્વની સફળતા સાંપડી હતી. આ ચોરીના પશુને વહન કરી જતુ ડાલા જેવું વાહન નજીકના એક ગામના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)