Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અંબાજીમાં શ્રદ્ધાળુ દ્વારા ૧૧ લાખનું હીરાજડિત છત્ર અર્પણ

લોકડાઉન ખુલ્યા બાદ મંદિરોમાં ભક્તોનું દાન : મનોકામના પૂર્ણ થતા માઈ ભક્તે માતાજીને સુવર્ણ છત્ર ચઢાવતા લોકડાઉન બાદનું મંદિરમાં સૌથી મોટું દાન

અંબાજી, તા. ૧૧ : મધ્યપ્રદેશના ઈન્દોરના માઈ ભક્તે ગુરુવારે યાત્રાધામ અંબાજીમાં અંબે માના શ્રી ચરણમાં ૧૧.૩૮ લાખનું ૨૩૦ ગ્રામ હીરાજડિત સુવર્ણ છત્ર અર્પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશના ઇન્દોરના મોહનખેડા તીર્થ દ્વારા અંબે માને હીરાજડિત સુવર્ણ છત્ર ભેટ કરવામાં આવ્યું હતું. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેકટર સતીષ ગઢવીએ ટ્રસ્ટના નિયમાનુસાર હીરાજડિત સુવર્ણ છત્ર સ્વીકાર કરી માઈભક્તને માતાજીનો પ્રસાદ અર્પણ કર્યો હતો. અંબાજી મંદિર ખાતે ગુરૂવારે મધ્યપ્રદેશથી આવેલા માઈભક્તોએ અંબે માને હીરાજડિત સુવર્ણ છત્ર અપર્ણ કર્યું હતું. છત્ર પર મોંઘા-મોંઘા હીરા જડેલા છે. અંબાજી મંદિર પાસે સોનાની વેલ્યુએશન કાઢવામાં આવતા છત્રની કિંમત ૧૧.૩૮ લાખ હોવાની માહિતી મળી છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઈન્સ્પેક્ટર દ્વારા તેની પાવતી પણ આપવામાં આવી છે. ભક્તોની મનોકામના પૂર્ણ થતાં દાન આપવામાં આવ્યું હતું.

           સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ છત્ર અર્પણ કરવા આવેલા સંતોષ જૈનના જણાવ્યા મુજબ ઇન્દોર મોહનખેડા તીર્થના આચાર્ય વૃષભ ચંદ્ર સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી અમારી મનોકામના પૂર્ણ થતા માતાજીને છત્ર ભેટ ધર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમ મેળા દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બરથી અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ફરીથી ખોલી દેવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખલપુર ગામે બિરાજમાન બહુચર માતાજીને જૂન મહિનામાં એક માઈભક્ત દ્વારા મનોકામના પૂર્ણ થતા ૨૫ લાખની વધુની કિંમતના ૬૦૦ ગ્રામ સોનાનો મુગટ મા બહુચરના ચરણોમાં અર્પણ કરાયો હતો. કોરોના લોકડાઉન પછી મંદિરો ખુલ્યા બાદ ગુજરાતમાં પ્રથમ મોટું સુવર્ણદાન કહી શકાય છે.

(7:46 pm IST)