Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ફરસાણના ભાવોમાં પણ ઉછાળો આવ્યો

રીંગણના ભાવ કિલોએ ૩૦થી ઊછળીને ૧૨૦: ટામેટાં ૨૦થી વધીને ૮૦ના થયા

અમદાવાદ, તા.૧૧: રાજયમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતા બજારમાં લીલા શાકભાજીની આવક ઓછી રહેતા ભાવો દ્યટવાનું નામ લેતા નથી. રીંગણ, રવૈયા, ભુટ્ટા,.ટામેટાં, ફુલેવર, રીંગણ અને લીલાશાકભાજીના ભાવોમાં અસહ્ય ઉછાળો રહેવા પામ્યો છે. જેના લીધે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તો કેટલીક ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજીની જગ્યાએ કઠોળ ચાલુ કરાયુ છે. જયારે સામાન્ય દિવસોમાં રૂ.૧૨૦ થી ૧૫૦માં મળતી ગુજરાતી થાળીના ભાવો વધારીને રૂ.૧૮૦ થી ૨૫૦ કરી દેવાયા છે.

માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી છે.જેના લીધે છૂટક વેપારીઓ દ્વારા શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો કરી દેવાયો છે. સામાન્ય દિવસોમાં ભુટ્ટા, રવૈયા અને ફુલેવર,રીંગણ રૂ.૩૦ કિલોએ વેચાતા હતા તેના ભાવ વધીને ૧૨૦ થઈ ગયા છે. ટામેટાં રૂ. ૨૦ કિલો હતા તે વધીને રૂ. ૮૦ થઈ ગયા છે. જયારે લીલાશાકભાજી સામાન્ય દિવસોમાં ૪૦થી ૬૦ રૂ. કિલો મળતા હતા તે વધીને અત્યારે રૂ. ૧૦૦થી ૧૫૦ કિલો વેચાઈ રહ્યાં છે.  ફુલેવરનો એટલો બધો પાક થયો હતો ત્યારે પૂરતો ભાવ નહીં મળવાને લીધે ખેડૂતોએ રસ્તા ઉપર ફેંકી દેતાં હતાં. કોથમીર રૂ.૧૮૦, મરચાં રૂ.૧૦૦ કિલો, બટાટા રૂ. ૪૦ કિલો, ડુંગળી રૂ.૩૦ કિલો વેચાઈ રહ્યાં છે. શાકની જગ્યાએ કેટલીકવાર રસોઈમાં કઠોળ બનાવવામાં આવતું હતું જેમાં પણ ધીમે ધીમે ઉછાળો આવતા ખાવાનું શું?એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે.

બેસનના ભાવો ઘટયા હોવા છતા ફરસાણના ભાવોમાં વધારો ઝીંકાયો છે. જેમાં પાપડી, ગાઠીયા, ફાફડા રૂ.૩૦૦ કિલો મળતા હતા તે વધારીને રૂ.૪૦૦ થી ૪૫૦ કરી દેવાયા છે. આ જ રીતે દાળવડા અને ભજીયા રૂ.૧૮૦ થી ૨૦૦ કિલો મળતા હતા તે વધીને રૂ. ૨૮૦ થી ૩૦૦ કિલો થઈ ગયા છે. પાણીવાળા ખમણ રૂ.૧૮૦ થી ૨૫૦ કિલો અને વાટીદાળના ખમણના ભાવ રૂ.૩૦૦ કિલો કરી દેવાયા છે.

(9:46 am IST)