Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નર્મદા જિલ્લામાં તા. ૧૩મી થી ૧૫મી ઓગષ્ટ દરમિયાન ૧.૨૭ લાખથી વધુ મિલકતો-ઈમારતો ઉપર લહેરાશે તિરંગો

-‘‘હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા પ્રત્યેક નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રની નમ્ર અપીલ: જિલ્લામાં ગ્રામ પંચાયતો, જિલ્લા સહકારી મંડળીઓ અને સસ્તા અનાજની દુકાનો, જિલ્લાની તેમજ સબ પોસ્ટ ઓફિસમાંથી તિરંગાનું થઈ રહેલું વેચાણ અને વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ભારત વર્ષમાં દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી "હર ઘર તિરંગા" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને રાષ્ટ્રનિર્માણ માટે યોગદાન આપનારા દેશભક્ત વીર શહીદોની સ્મૃતિ તાજી કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો રહેલો છે.

             
             દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની સોનેરી તક આપણને સાંપડી છે ત્યારે સમગ્ર નર્મદા જિલ્લામાં આગામી તા.૧૩મી થી તા.૧૫મી ઓગષ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે. લોકો પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતો પર તિરંગો લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય તેવી સરકાર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં ઠેર ઠેર આ પર્વને ઉજવવા માટે જિલ્લાવાસીઓ થનગની રહ્યાં છે. જિલ્લા વહિવટીતંત્ર પણ આ દિશાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા તરફ આગળ ધપી રહ્યું છે, ત્યારે જિલ્લાના તમામ નાગરિકોને અને વિવિધ ક્ષેત્રની સંસ્થાઓને આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને તેને સફળ બનાવવા જિલ્લા વહિવટી તંત્રતરફથી જાહેર અપીલ કરાઈ છે.  

            નર્મદા જિલ્લામાં “હર ઘર તિરંગા” ઉત્સવને વધાવવા માટે જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો, જિલ્લા સહકારી મંડળીઓ અને સસ્તા અનાજની દુકાનો, જિલ્લાની તેમજ સબ પોસ્ટ ઓફિસોમાંથી તિરંગાનું વેચાણ અને વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ શહેરી કક્ષાએ નગર પાલિકાનાં સંકલનમાં રહીને ખાનગી દુકાનો દ્વારા વિતરણ અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લાની શાળાઓમાં “આન બાન શાન ઓફ તિરંગા”ની થીમ હેઠળ સ્પેશિયલ તિરંગા માર્ચ-રેલી, પ્રભાતફેરીનું પણ વિવિધ તબક્કે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ઉજવાનારા આ પર્વ ઉપર એક નજર કરવામાં આવે તો જિલ્લાની ૭૬૬ પ્રાથમિક શાળાઓ, ૧૩૧ માધ્યમિક શાળાઓ, ૯૫૨ આંગણવાડી કેન્દ્રો, ૫૮ પશુ દવાખાના, ૨૦૬ પીએચસી-સીએચસી, ૧૭ પોલીસ મથકો, ૭ જેટલી આઈટીઆઈ, ૯૩૪ સહકારી સંસ્થાઓની ઈમારતો, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, તમામ મામલતદારશ્રીની કચેરી, તમામ ગ્રામ પંચાયત કચેરી, રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં આવેલી સરકારી-ખાનગી મિલકતો, જિલ્લામાં આવેલી ખાનગી ઈમારતો અને વ્યાપારી સંકુલો મળીને કુલ ૧.૨૭ લાખથી પણ વધુ મિલકતો-ઈમારતો ઉપર તિરંગો લહેરાશે. “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આ અવસરમાં સહભાગી બનવા સૌ નાગરિકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે

(12:15 am IST)