Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમદાવાદ એરપોર્ટ પર નકલી કસ્ટમ અધિકારી બની લૂંટ કરતી ગેંગ ઝડપાઇ ; દિલ્હી કનેક્શન પણ ખુલ્યું

પાંચ આરોપીની ઍરપોર્ટ પોલીસે ધરપકડ કર્યા બાદ આ સમગ્ર બનાવમાં ટિપ્સ આપનાર દિલ્હીના વ્યક્તિની ધરપકડ કરવા કવાયત

અમદાવાદ એરપોર્ટ પર નકલી સરકારી અધિકારીઓ બની લૂંટતી ટોળકી સક્રિય થઈ હોય તેમ થોડા જ સમયમાં બે થી ત્રણ બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવી ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે નકલી કસ્ટમ અધિકારી બનેલા પાંચ આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદ એરપોર્ટ પર નકલી કસ્ટમ અધિકારીની ઓળખ આપી એક વ્યક્તિ પાસેથી લૂટ ચલાવી હોવાનો કિસ્સાઓ સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના બાગોવાલીમાં રહેતા શાહ ફૈસલ નાઝીમહસન છેલ્લા અઢી વર્ષથી સાઉદીમાં રિયાધ ખાતે નોકરી કરે છે. ગત 7 જુનના રોજ તેઓ ભારત પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર શાહ ફૈસલને લેવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પાર્કીંગમાં રીક્ષામાં બેસી રહ્યા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો પોતે કસ્ટમના અધિકારી હોવાનું કહીને શાહ ફેસલને રોક્યો હતો અને તેનો સામાન અને તેનું ચેકીંગ કરવાનું કહીને ડરાવી ધમકાવી તેની પાસે રહેલી રોકડ, ગોલ્ડ અને મોબાઈલ સહિત 5.92 લાખના મુદ્દામાલની લૂંટી ચલાવી હતી.

મોહમ્મદ શાહ ફેસલે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે CCTV આધારે તપાસ કરતા એરપોર્ટ પર પાર્કિંગની એજન્સીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા ઋત્વિક રાઠોડ અને રોશનગીરી હોવાનું સામે આવ્યું હતું અને તેમની સાથે શશીકાંત તિવારી, મહેશ મહેરિયા નામના આરોપીઓ મળેલા હતા. આ તમામ 5 આરોપીની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. જોકે આ સમગ્ર પ્રકરણમાં દિલ્હી કનેક્શન પણ સામે આવ્યું અને દિલ્હીથી અમદાવાદ આરોપીઓને ટિપ્સ કોને આપી તે આરોપીની ધરપકડ કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

નકલી કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપનાર પાંચ આરોપીની ઍરપોર્ટ પોલીસે ધરપકડ કર્યા બાદ આ સમગ્ર બનાવમાં ટિપ્સ આપનાર દિલ્હીના વ્યક્તિની ધરપકડ કરવાની પણ પોલીસે કવાયત હાથ ધરી છે. આ સાથે જ આ પહેલા અન્ય કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની છેતરપિંડી કરી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે. મહત્વનું છે કે આ અગાઉ પણ આજ રીતે એક વેપારીને એરપોર્ટ નાં બાથરૂમ માં લૂંટી લેવામાં આવ્યો હતો તેના આરોપી પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસ કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

(11:23 pm IST)