Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

છ મહિના પહેલા સાંસદનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયેલી જીતગઢ કેનાલ બન્યા બાદ ટેસ્ટિંગમાં જ તૂટી જવાની ઘટના બનતા ઉઠ્યા સવાલ

જીતગઢ બસ સ્ટેશનથી ગોરા તરફની એક કિલોમીટર જેટલી કેનાલ બનાવવામાં જ નથી આવી: હાલમાં તૂટી ગયેલા કૂવાની કામગીરી ફકત રાત્રી દરમિયાન જ કરાતી હોવાથી તમામ કામગીરી તકલાદી કરાઇ હોવાનો ડેપ્યુટી સરપંચ રતનભાઈ વલવીનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢ થી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી, ૧૫ વર્ષથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું એક ટીપું પાણી પણ મળતું ન હતું, તેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ દુઃખી હતા. ૧૫ વર્ષ પહેલા આ નહેરો કરોડો રૂપિયાના ખર્ચે રીપેરીંગ કરવામાં આવી હતી. પરંતુ જે-તે સમયે કોન્ટ્રાક્ટના દ્વારા ગુણવત્તા વિનાની કામગીરી થઈ હોવાના કારણે જે વર્ષે રીપેરીંગ કર્યું હતું, તે જ વર્ષે કેનાલોમાં મોટા ગાબડાંઓ પડી ગયા અને કુવાઓ તૂટી ગયા હતા. ત્યારબાદ આ સમગ્ર બાબતની રજૂઆત ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરતા તેઓએ અંદાજીત ૧૬ કી.મી. સુધી કેનાલના કામ માટે ૧૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા, જેનું છ મહિના પહેલા જ સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ નવી કેનાલ બન્યા બાદ ગુરૂવારે તેનું ટેસ્ટિંગ કરવા પાણી છોડયું ત્યાજ ત્રણ કૂવા તૂટવાની ઘટના બનતા કરોડો ની આ કેનાલની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે, આ કેનાલમાં પાણી છોડતાની સાથે જે નુકસાન થયું તે ઢાંકવા માટે કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલિક કેનાલનું સમારકામ શનિવારે વહેલી સવાર થી જ શરૂ કરવામાં આવ્યું છે.
જીતગઢ ગામના ડેપ્યુટી સરપંચ રતનભાઇ વલવી નાં જણાવ્યા મુજબ આ કેનાલનું કામ એકદમ તકલાદી કામ થયું છે, તથા લગભગ આઠ કિલોમટર સુધીના કુવાઓને પણ કેનાલનું પાણી છોડવાથી નુકશાન થયું છે અને કેનાલમાં જરૂરી જગ્યાઓ પર કોન્ટ્રાકટર દ્વારા ગેટ પણ મૂકવામાં આવ્યા નથી. તથા જીતગઢ બસ સ્ટેશનથી ગોરા તરફની એક કિલોમીટર જેટલી કેનાલ બનાવવામાં જ  આવી નથી, આ કેનાલ બનાવવામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે
આ ઘટના બાદ ગ્રામજનો અને લોકોમાં સવાલો ઉઠ્યા હતા કે શું કેનાલની કામગીરી કરતી એજન્સીના કામગીરી ગુણવત્તા વાળી થઈ રહી છે કે નહિ એ બાબતે લાગતા વળગતા કોઈજ અધિકારી એ નિરીક્ષણ કર્યું નહિ હોય અથવા બંનેની મીલીભગત માં ગુણવત્તા વિનાની કામગીરી થઈ હશે .? જોકે આની જીણવટભરી તપાસ કરાઈ તો સત્ય હકીકત બહાર આવશે.

(11:02 pm IST)