Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આગામી 5 દિવસ સુધી રાજયના અનેક વિસ્તારોમાં મેઘરાજાની થશે પધરામણી

રવિવારે અમદાવાદ,નવસારી,તાપી અને વલસાડમાં વરસી શકે છે વરસાદ: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

અમદાવાદ :  ચોમાસાના આગમનને લઈને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધરતીના ધણી મેહુલીએ વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું છે. ભીમ અગિયારસનું સુકન સાચવ્યા બાદ સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. તેવામાં રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને અમદાવાદ, સુરત સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અમુક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પૂર પણ આવ્યા હતા. મેઘાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો લીધા બાદ હવે આવતીકાલે એટલે કે રવિવારે પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરત,  ખેડા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદી મહોલ રહેવાની શક્યતા છે. રવિવાર, સોમવાર સહિત આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે શનિવારે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

(10:27 pm IST)