Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કેંદ્રના સંસદીય બાબતો અને સાંસ્કૃતિક વિભાગના રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે મહેસાણાની મુલાકાત લીધી

કેંદ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ અને સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ઉજવણીના ભાગરૂપે મહેસાણામાં ભારત સરકારની અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે જીવંત વાર્તાલાપ કર્યો : જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

મહેસાણા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને આઠ વર્ષ પૂર્ણ થયા એની ઉજવણીના ભાગ રૂપે, દરેક કેંદ્રીય મંત્રીએ ભારતના કોઇ પણ જિલ્લાની મુલાકાત લઇને,ત્યાંના લાભાર્થીઓને પારદર્શિતા સાથે સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે કે કેમ એની સમીક્ષા કરવી એવું નક્કી કરાયું છે.ભારત સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ અને સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ઉજવણીના ભાગરૂપે કેંદ્રીય સંસદીય બાબતો અને સાંસ્કૃતિક વિભાગના રાજ્ય મંત્રીશ્રી અર્જુનરામ મેઘવાલ, આજે મહેસાણાની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા.
 મહેસાણામાં કેંદ્રીય રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે ૧.પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી),૨. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ૩. પ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ ૪. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૫. પ્રધાનમંત્રી પોષણ અભિયાન ૬. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ૭. સ્વચ્છ ભારત મિશન (શહેરી),૮. સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) ૯. જલ જીવન મિશન/હર ઘર જલ યોજના ૧૦. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ૧૧.વન નેશન વન રાશન કાર્ડ ૧૨. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ૧૩.આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ૧૪. આયુષ્યમાન ભારત-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ૧૫. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંગે જિલ્લાના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.મંત્રીશ્રીએ આ તમામ યોજનાઓના ૫૦થી વધુ લાભાર્થી સાથે જીવંત સંવાદ કરી,  પારદર્શિતા સાથે યોજનાના લાભો તેમના સુધી કેવી રીતે પહોંચ્યા,એની જાણકારી મેળવી હતી.    
  કેંદ્રીય રાજ્ય મંત્રી અર્જુનરામએ આયુષ્યમાન કાર્ડૅની લાભાર્થી  એવી દીકરી અંશીને યોજના વિશે પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, હું એક વર્ષથી ડાયાલિસીસ ઉપર છું. મારે એક્પણ રૂપિયો મારી તબિયત માટે ચૂકવવો પડતો નથી. મને ૩૦૦ રૂપિયા ભાડા પેટે પણ મળે છે. મારા વતી નરેન્દ્ર મોદીને ધન્યવાદ કહેજો.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કેંદ્રની તમામ યોજનાઓમાં અગ્રેસર છે. ગુજરાતમાં ગુડ ગવર્નન્સ છે. તેમણે અધિકારીઓ પાસે ગુડ ગવર્નન્સની કોઇ વાત હોય  તે આખા દેશમાં લાગુ કરવા માટે સૂચનો પણ માગ્યા હતા.આ વેળાએ મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલે પાત્રતા ધરાવતા તમામને રાશન મળવું જ જોઇએ એવી રજૂઆત કરી હતી.પ્રધાનમંત્રીની તમામ યોજનાઓનો લાભ આખા દેશના બધા નાગરિકોને મળવો જ જોઇએ એમ ભારપૂર્વક કેંદ્રીય રાજ્ય મંત્રી મેઘવાલે જણાવ્યું હતું.
   ભારત સરકારના રાજ્ય મંત્રી મેઘવાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત મિશન (શહેરી) અને જલ જીવન મિશન/હર ઘર જલ યોજનામાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે મહેસાણા જિલ્લાના અધિકારીઓને ખાસ અભિનંદન આપ્યા હતા.
 આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લાભાર્થી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લાગુ કરેલી યોજનાઓને લીધે ભ્રષ્ટાચાર બંધ થયો છે.યોજનાના લાભોને લીધે લોકોના ખાતામાં સીધા પૈસા જમા થાય છે.લાખો લોકોને રાશન,ગેસ, પાણી,ઘરનું ઘર, સ્વચ્છતા,શૌચાલયો મળ્યાં છે. બાળકો,ધાત્રી માતાઓ,કિશોરીઓ,સગર્ભા બહેનો સુપોષિત બન્યાં છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી હાર્દિક ખાણદરે કર્યું હતું.    
આ વેળાએ રાજય સભાના સાંસદ જુગલજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમ પ્રકાશ,એડિશનલ કલેક્ટર ઇંદ્રજીતસિંહ વાળા અને મહેસાણાના વિવિધ યોજનાઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:43 pm IST)