Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સોસાયટીઓના રિડેવલપમેન્ટ સોગંદનામાને લીધે અટવાયા

રિડેવલપમેન્ટ ન થતા હજારો રહેવાસીઓના જીવનું જોખમ : બિલ્ડરોની મૂળ માલિકને અન્યાય કરતી શરતો અને ઉપરથી કાંડા કાપી લેતા 'સોગંદનામા'ને કારણે અનેક સ્કિમ અધ્ધરતાલ

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદના સોલાથી નવા વાડજસુધીની હાઉસિંગ બોર્ડની ૧૮થી વધુ સોસાયટીઓની રિડેવલપમેન્ટની કામગીરી 'સોગંદનામા'ને કારણે અટકી ગઈ છે. નારણપુરાથી રાણિપ બસ ટર્મિનલ વચ્ચે આવેલી જુદી જુદી ૧૮ સોસાયટી-ફ્લેટના નબળા અને મધ્યમ વર્ગના રહેવાસીઓ સરકારની રિડેવલપમેન્ટ નીતિની જાહેરાતથી ગેલમાં આવી ગયા હતા, પરંતુ હાઉસિંગ બોર્ડની 'સોગંદનામા'ની એકતરફી શરતથી હજારો રહેવાસીઓને જૂના-જોખમી ઘરમાં રહેવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે, રિડેવલમેન્ટની જાહેરાત બાદ અમદાવાદમાં આવેલી બોર્ડની મોટાભાગની વસાહતો આ સ્કીમનો લાભ લેવા માટે તૈયાર થઈ હતી, પરંતુ બિલ્ડરોની મૂળ માલિકને અન્યાય કરતી શરતો અને ઉપરથી કાંડા કાપી લેતા 'સોગંદનામા'ને કારણે નીતિની જાહેરાતના છ વર્ષ પછી પણ અમદાવાદમાં જયમંગલ બસસ્ટેન્ડ નજીકની એક માત્ર એકતા એપાર્ટમેન્ટની સ્કીમ પૂરી થઈ શકી છે.

હાઉસિંગની વસાહતમાં રહેતા સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોને સરકારની રિડેવલપમેન્ટની યોજનાથી 'બચત-મૂડી'માંથી ફરીથી રહેવાલાયક ઘર મળવાની આશા બંધાઈ હતી અને ૧૮ સોસાયટીના રહીશોએ હાઉસિંગ બોર્ડમાં રિડેવલપમેન્ટની સંમતિ અને તે માટે જરૂરી પ્રક્રિયા પણ પૂરી કરી લીધી હતી, પરંતુ મકાન બનાવનારા બિલ્ડરે રહેવાસીઓ સાથેની વાટાઘાટમાં જ મૂળ મકાન માલિકોને મકાનની ફાળવણીમાં પ્રાયોરિટી આપવાને બદલે એવી શરત મૂકી કે, તેમને છેલ્લે મકાન ફાળવાશે અને મૂળ માલિકો અને નવા મકાનમાલિકોને આપવામાં આવનારા મકાનોનું બાંધકામ પણ જુદું રહેશે. રહેવાસીઓને આ શરત મંજૂર ન હોવાથી ૧૮ સોસાયટીની રિડેવલપમેન્ટની કામગીરી ખોરંભ

પડી અને મુદત વીતી જતા ટેન્ડર પણ રદ થઈ ગયું છે.

ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પદાધિકારી કહે છે કે, રિડેવલપમેન્ટ માટે હાઉસિંગ બોર્ડે પ્રસિદ્ધ કરેલા ટેન્ડરમાં સરકાર કે બોર્ડે મૂળ મકાન માલિકોને અન્યાય કરતી આવી કોઈ શરતનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ બિલ્ડરે પોતાની શરત ઉમેરતા ૧૮ વસાહતોની રિડેવલપમેન્ટની કામગીરી અટકી ગઈ છે.

તેઓ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને બોર્ડના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવાતો નથી. તેઓ કહે છે કે, છેલ્લા કેટલાયે સમયથી હાઉસિંગ બોર્ડના ચેરમેન, કમિશનરની કાયમી નિમણૂક થઈ નથી અને વહીવટ ચાર્જમાં ચાલે છે. બોર્ડ ઓફ ડિરેક્ટરોની પણ નિમણૂક કરાઈ ન હોવાથી છેલ્લા બે વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ, પરંતુ પ્રશ્ન ઉકેલાતો નથી.

અમદાવાદના સોલા-નારણપુરાથી નવા વાડજના રાણિપ એસટી બસ ટર્મિનલ સુધીમાં હાઉસિંગ બોર્ડની ૧૨૫થી વધુ વસાહતમાં બે લાખથી વધુ ફ્લેટ-એપાર્ટમેન્ટ છે. આ મકાનો ૨૫થી ૪૫ વર્ષ જૂના છે. ચારથી પાંચ દાયકા પહેલા આર્થિક રીતે નબળા, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે હાઉસિંગ બોર્ડે લાખો મકાનો બનાવ્યા છે, પરંતુ આ મકાનો હવે રહેવા માટે જોખમી-જર્જરીત થઈ ગયા છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ(ઈડબલ્યુએસ) લો ઈક્નમ ગ્રૂપ(એલઆઈજી)ના મકાનોમાં વસવાટ કરતા નાગરિકો આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આ વસાહતોમાં રહે છે.

રિડેવલપમેન્ટ ક્યાં અટક્યું?

૩૮૪-એમઆઈજી સૂર્યા એપાર્ટમેન્ટ

૨૪-એમઆઈજી કિરણ પાર્ક

૧૮૦-એચઆઈજી સુરભી એપાર્ટમેન્ટ

૧૯૫-એચઆઈજી અમર એપાર્ટમેન્ટ

૧૩૨-એલઆઈજી આનંદવિહાર એપાર્ટમેન્ટ

૨૭૦-એમઆઈજી ઉત્સવ એપાર્ટમેન્ટ

૪૫૬-એલઆઈજી એકતા એપાર્ટમેન્ટ

૮૪-એચઆઈજી નિધિ એપાર્ટમેન્ટ

૧૯૨-એમઆઈજી સત્યમ એપાર્ટમેન્ટ

૨૭૦-એચઆઈજી નિર્મલ એપાર્ટમેન્ટ

સ્-૫ શાસ્ત્રીનગર એપાર્ટમેન્ટ

૨૨૮-એમઆઈજી વિશ્રામ પાર્ક-નવા વાડજ

૨૪-એલઆઈજી રવિ એપાર્ટમેન્ટ

૧૯૨-એમઆઈજી શાંતિ એપાર્ટમેન્ટ

૬૪-એમઆઈજી ઉન્નતિ એપાર્ટમેન્ટ

૮-એચઆઈજી ચંદ્ર એપાર્ટમેન્ટ

૩૧૨-એચઆઈજી રામેશ્વર એપાર્ટમેન્ટ

ગાંધીનગરમાં સેક્ટર ૨૮માં બોર્ડની વસાહત

(7:48 pm IST)