Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ખેડા તાલુકાના હરિયાળા ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારના સાત સભ્યો ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા તાલુકાના હરિયાળા ગામ નજીક હાઇવે પર વિરમગામ જતી એક ઇકો કારને રસ્તાની સાઇડની ઝાડીમાંથી અચાનક આવેલી ગાડીએ અડફેટે લીધી હતી. આ ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા સાતથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને ખેડા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ પૈકી ત્રણની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સદ્નસીબે આ લખાય છે ત્યાં સુધી કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

વિરમગામનો ભરવાડ પરિવાર આજે ઇકો ગાડી લઇને ચકલાસી ગામે બેસણામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પરત વિરમગામ જઇ રહ્યા હતા. તેઓ જ્યારે હાઇવે પર ખેડા નજીકના હરિયાળા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે રોડ વચ્ચેના ડિવાઇડરની ઝાડીમાંથી રોંગ સાઇડેથી અચાનક એક ગાડી આવી હતી અને ઇકો ગાડી સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેને કારણે ઇકો ગાડીમાં બેઠેલ ભરવાડ પરિવારના સભ્યો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે ઝાડીમાંથી આવેલ ગાડીમાં બેઠેલા ચાર શખ્સો પણ ગંભીર રીતે ઘવાયા હતા. ઝાડીમાંથી આવેલ ગાડી અમદાવાદથી વડોદરા નવા યાર્ડ તરફ જતા હતા. આ તમામ ઘાયલોને તરત જ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(6:44 pm IST)